(એજન્સી) તા.૧૩
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શુક્રવારે સત્તાધારી ભાજપને તેની આર્થિક નીતિઓ વિશે પ્રશ્ન પૂછ્યો છે. પ્રિયંકાએ ટ્‌વીટ કરતા જણાવ્યું કે સામાન્ય જનતાની સમસ્યાઓથી આટલા દૂર થયેલા વડાપ્રધાન ભારતના ઈતિહાસમાં કદાચ જ કોઈ હશે. વધુ એક ટ્‌વીટ કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું મોંઘવારી પાછલા ત્રણ વર્ષમાં ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. રોજબરોજના જીવનમાં ઉપયોગ થનારી વસ્તુઓ ખરીદવામાં જ સામાન્ય લોકોને મુશ્કેલી થઈ રહી છે. કોંગ્રેસ મહાસચિવે જણાવ્યું કે ભાજપની કુટનીતિઓના કારણે આવેલી મંદીના કારણે આવક ઝીરો છે. પરંતુ દેશના વડાપ્રધાન તેની પર મૌન છે. ભારતની અર્થવ્યસ્થામાં પાછલા કેટલાક મહિનામાં જીડીપીના અંદાજમાં પાંચ ટકાનો ઘટાડો અને બેરોજગારી વધવાની રિપોર્ટની સાથે એક વિશેષ મંદી જોવા મળી છે. ડુંગળીના વધતા ભાવે સરકારની ચિંતા વધારી દીધી છે. જણાવી દઈએ કે ગુરૂવારે આર્થિક મોરચા પર દેશની મોદી સરકારને બેવડો આંચકો લાગ્યો છે. એક તરફ જ્યાં મોંઘવારી દર ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગયો છે તો બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જ્યાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થવાના કારણે નવેમ્બરમાં છુટક મોંઘવારી પ.પ૪ ટકા થઈ ગઈ. આ ઓક્ટોબરમા ૪.૬ ટકા હતી. નાણા મંત્રાલય તરફથી આ સત્તાવાર આંકડા ગુરૂવારે જારી કરવામાં આવ્યા હતા.