(એજન્સી) તા.૧૯
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુરૂવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મેટ્રો સેવાઓ અને ઈન્ટરનેટ બંધ કરવા બદલ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોઈને પણ અવાજ ઊઠાવવાની પરવાનગી નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, જે લોકોએ કરદાતાઓના પૈસા ખર્ચી કરોડો રૂપિયાની જાહેરાતો કરી તે જ લોકો આજે જનતાના અવાજથી એટલા અકળાયેલા છે કે, તે બધાના અવાજો દબાવી રહ્યા છે. મેટ્રો સ્ટેશન બંધ છે, ઈન્ટરનેટ બંધ છે, દરેક સ્થળે ધારા ૧૪૪ લાગુ છે પરંતુ એટલું જાણી લો કે જેટલો અવાજ દબાવવામાં આવશે તેટલી ઝડપથી વધુ અવાજ ઊઠશે. ઉલ્લેખનીય છે કે, સિટિઝનશીપ અમેન્ડમેન્ટ બિલ ર૦૧૯ના વિરૂદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ દરમિયાન સુરક્ષા કારણોસર દિલ્હી મેટ્રોના ૧૮ સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી.