(એજન્સી) તા.૧ર
ઉત્તરપ્રદેશના આઝમગઢમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવા દરમિયાન ભગાડવામાં આવેલી મહિલાઓ સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે મુલાકાત કરી. પ્રિયંકાએ પીડિત મહિલાઓ સાથે વાતચીત કરી તેમની ખબર પૂછી.
આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કેન્દ્રની વર્તમાન સરકાર પર હુમલો કરતાં જણાવ્યું કે, ભાજપ સરકાર બંધારણ તોડવાનું કામ કરી રહી છે. આપણે તેને રોકવી પડશે. પીડિત મહિલાઓ સાથે વાતચીત દરમિયાન પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, તમારા લોકો સાથે અત્યાચાર થયો છે. તમે ચિંતા ન કરો, હું તમારી સાથે ઊભું છું. તેમણે જણાવ્યું કે દેશને તેમની ખતરનાક નીતિઓથી બચવું પડશે. દેશદ્રોહ જેવી કલમો લગાવવું ખોટું છે અને હું માનવ અધિકાર પંચને તેમની ફરિયાદ કરીશ. પ્રિયંકા ગાંધીએ લગભગ ૪પ મિનિટ સુધી પીડિત મહિલાઓ સાથે વાતચીત કરી. આઝમગઢના બિલરિયાગંજ સ્થિત જોહરઅલી પાર્ક પાસે એક ઘરમાં ૧૦૦થી વધુ મહિલાઓ ભેગી થઈ હતી. જણાવી દઈએ કે આઝમગઢના બિલરિયાગંજ શહેરમાં સીએએ અને એનઆરસીની વિરૂદ્ધ પાંચ ફેબ્રુઆરીએ મહિલાઓએ શાહીનબાગની જેમ અનિશ્ચિતકાલિન ધરણાં શરૂ કર્યા હતા. પોલીસે ધરણાં સમાપ્ત કરવા માટે મહિલાઓને ત્યાંથી ભગાવી દીધી. આ દરમિયાન લાઠીચાર્જ, ટીયરગેસ તેમજ પથ્થરમારાની ઘટનાઓ પણ થઈ હતી. લાઠીચાર્જમાં કેટલીક મહિલાઓ ઘાયલ થઈ હતી. જ્યારે ૧૯ લોકોની દેશદ્રોહ સહિત વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી જેલ મોકલવામાં આવ્યા હતા.
પ્રિયંકા ગાંધીને મળવા માટે ગાડીની આગળ સૂઈ ગયા કાર્યકર્તા
પ્રિયંકા ગાંધી ઈન્ડિગો વિમાન નંબર ૬ઈ૯૦૬થી સવારે ૯ઃપ૦ વાગે વારાણસીમાં બાબતપુરના લાલ બહાદુરશાસ્ત્રીની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચી. બહાર એકઠા થયેલા કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું. ભીડના કારણે ધક્કાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. મળવા માટે કાર્યકર્તા પ્રિયંકા ગાંધીની ગાડીની આગળ સૂઈ ગયા. કોઈ રીતે તેમને હટાવવામાં આવ્યા. સ્વાગત કરનારાઓમાં મુખ્ય રીતે રાજ્ય અધ્યક્ષ અજયકુમાર લલ્લુ, પૂર્વ સાંસદ રાજેશ મિશ્રા, પૂર્વ ધારાસભ્ય અન્ય રાય, મનિષ ચૌબે વગેરે હાજર રહ્યા હતા.