(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
પ્રિયંકા ગાંધીના ઉત્તર પ્રદેશના વારાણસીથી લોકસભા ચૂંટણીઓ લડવાની ૫૦ :૫૦ ટકા શક્યતા હોવાનું જણાવવામાં આવ્યું છે. પ્રિયંક ગાંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસના ઉમેદવાર બનાવવા અંગે પક્ષના ટોચના નેતાઓ વચ્ચે ચર્ચા ચાલી રહી હોવાનો સૂત્રોએ ઘટસ્ફોટ કર્યો છે. જ્યારે પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન સામે લોકસભા ચૂંટણીમાં ઝંપ લાવવાની તૈયારી બતાવી છે. તેમણે સ્પષ્ટપણે કહી દીધું છે કે તેમને વારાણસીમાં હાર-જીતની જરાય પણ ચિંતા નથી. દરમિયાન, પ્રિયંકાના વારાણસીથી સંસદીય ચૂંટણી લડવાના અહેવાલો અંગે રાજકીય વર્તૂળોમાં એવી ચર્ચાએ વેગ પકડ્યો છે કે જો પીએમ મોદી સામે પ્રિયંકા ગાંધી ઝંપ લાવશે તો પીએમ મોદીની મુશ્કેલીઓ વધવાની સંભાવના છે. જો કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને વારાણસીમાં ઉમેદવાર બનાવશે તો, અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમા પાર્ટીના મહાગઠબંધન પ્રિયંકાને સમર્થન આપશે કે કેમ ? અને પોતાના ઉમેદવારને પાછા ખેંચી લેશે કે કેમ ? એ બાબતે હજી કશું જ સ્પષ્ટ થયું નથી. નોંધનીય છે કે વારાણસીમાં છેલ્લા તબક્કામાં ૧૯મી મે ના રોજ મતદાન યોજાશે અને ૨૯મી એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. એક અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો પીએમ મોદી સામે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતારશે તો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના કાર્યકરોમાં નવો પ્રાણ ફુંકાઇ જશે અને અત્યાર સુધી નિષ્ક્રિય રહેલા પક્ષના કેટલાક કાર્યકરો પણ સક્રિય થઇને ભારે ઉત્સાહથી પક્ષ માટે કામ કરશે. પ્રિયંકા ગાંધીએ તો સ્પષ્ટપણ કહી દીધું છે કે જો પક્ષ તેમને વારાણસીથી ચૂંટણી લડવાનું કહેશે તો, તેના માટે તેઓ તૈયાર છે. પ્રિયંકા ગાંધીને જ્યારે પણ ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ દરેક રીતે તૈયાર છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને એવું પૂછવામાં આવ્યું કે શું પ્રિયંકા ગાંધી પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડશે ? તો તેમણે જવાબ આપ્યો કે તમે પોતે અંદાજો કરો. અંદાજા હંમેશ ખોટા હોતા નથી. જ્યારે રાહુલ ગાંધીને ફરી પૂછવામાં આવ્યું કે શું તમે તેનાથી ઇનકાર કરી રહ્યા છો તો તેમણે કહ્યું કે હું ન તો આની પુષ્ટિ કરી રહ્યો છું અને ન તો તેનો ઇનકાર કરી રહ્યો છું.