(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
કર્ણાટક વિધાનસભામાં એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર ભાંગી પડતા કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ ભાજપ સામે સંસ્થાઓ અને લોકતંત્રને વ્યવસ્થિત રીતે નબળા બનાવવાનો આરોપ મૂકીને જણાવ્યું કે એક દિવસ ભાજપને ખબર પડશે કે બધું જ ખરીદી શકાય નહીં, દરેકની પાછળ પડી શકાય નહીં અને પ્રત્યેક જુઠ આખરે ઉઘાડું પડી જાય છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે આખરે સ્થાપિત હિત ધરાવતા લોકોની લાલચનો આજે વિજય થઇ ગયો. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીેને કહ્યું કે પોતાના પહેલા જ દિવસથી કોંગ્રેસ-જેડીએસ સરકાર અંદર અને બહારના એ સ્થાપિત હિત ધરાવતા લોકોના નિશાન પર આવી ગઇ હતી. આ સ્થાપિત હિતો ધરાવતા લોકોએ આ ગઠબંધનને સત્તામાં આવવાના પોતાના માર્ગ માટે ખતરો અને અવરોધ તરીકે જોયું હતું. તેમણે એવો દાવો કર્યો કે તેમની લાલચની આજે જીત થઇ છે. લોકતંત્ર, ઇમાનદારી અને કર્ણાટકની જનતા હારી ગઇ. કોંગ્રેસના નેતા સિદ્ધરમૈયાએ જણાવ્યું કે હું ફરી કહેવા માગું છું કે જે લોકો ઓપરેશન કમળમાં સામેલ થયા છે, તેમને અમારા પક્ષમાં ફરી ક્યારેય પણ સામેલ કરવામાં આવશે નહીેં. ભલે આકાશ કેમ ન તૂટી પડે.