(એજન્સી) ફૈઝાબાદ, તા. ૨૯
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ શુક્રવારે ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદી પર લોકોના બેંક એકાઉન્ટમાં રૂપિયા ૧૫ લાખ જમા કરાવવાના ૨૦૧૪ની ચૂંટણીમાં આપેલા વચનને પુો નહીં કરવા બદલ આકરા પ્રહાર કર્યા હતા. ફૈઝાબાદમાં સભાને સંબોધતા પ્રિયંકાએ કહ્યું કે, કોંગ્રેસની ન્યાય યોજનાને ભાજપ ચૂંંટણી ગપગોળો ગણાવે છે પરંતુ તેઓ પોતે ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે પરંતુ તેમની પાસે ગરીબો માટે નાણા નથી. તેમણે દરેક ગરીબને ૧૫ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. બાદમાં તેમણે કહ્યું હતું કે, આ તો જુમલો હતો. આ દરમિયાન પ્રિયંકા ગાંધીને કાર્યકરો દ્વારા કહેવામાં આવ્યું કે, તેઓ રાયબરેલીથી ચૂંટણી લડે ત્યારે તેમણે કહ્યું કે, શું વારાણસીથી ચૂંટણી ના લડી શકું. પ્રિયંકાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી પાંચ વર્ષ સુધી અનેક દેશોના પૈસાદાર નેતાઓને ગળે લાગ્યા પરંતુ પોતાના મતવિસ્તારના ગરીબોને ભેટ્યા નથી. તેમણે તમારી સાથે દગો કર્યો છે.
પ્રિયંકા ગાંધીએ ભાજપની સરકારને જનતા-વિરોધી અને ખેડૂત-વિરોધી ગણાવી હતી અને કહ્યું હતું કે, મતદારો માટે આ વિચારવાનો સમય છે કે, તેઓ કોને મત આપવા માગે છે. પીએમ મોદી પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે, મને લોકો પાસેથી એ સાંભળીને આઘાત લાગ્યો કે, છેલ્લા પાંચ વર્ષમાં પીએમ મોદી વારાણસીના એક પણ ગામની મુલાકાત માટે ગયા નથી. ઉપરાંત તેમના મતવિસ્તારમાં એક પણ પરિવારને મળ્યા નથી. મોદી અમેરિકા, જાપાન, ચીન અને આખા વિશ્વમાં ફરે છે પરંતુ તેમને પોતાના મતવિસ્તારની મુલાકાત માટે સમય મળતો નથી. તેમણે પોતાના જ મતવિસ્તારમાં લોકો માટે કાંઇ કર્યું નથી દેશના બાકીના ભાગોમાં પણ લોકોને એકલા છોડી દેવાયા છે. આ કોઇ નાની વાત નથી બહુ મોટો મુદ્દો છે. આ સરકારનો ઇરાદો દેખાડે છે. આ સરકાર ઘણા અમીર લોકો પર જ ધ્યાન આપે છે પણ ગરીબોની મદદ કરતી નથી. અમેઠી અને રાયબરેલીથી ત્રણ દિવસના પ્રચારની શરૂઆત કરતા પ્રિયંકા ગાંધી અયોધ્યા અને ફૈઝાબાદ પહોંચ્યા હતા.