(એજન્સી) તા.૧૪
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા પછી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખનૌમાં તેમની પત્રકાર પરિષદ રદ્દ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે સાંજે સાત વાગે આ પત્રકાર પરિષદ યોજાવાની હતી. પ્રિયંકા ગાંધીએ શહીદ થયેલા જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું પરિવારનો સભ્ય ગુમાવવાનો દુઃખ સમજું છું, મારા અભિપ્રાય મુજબ આવા સંજોગોમાં રાજનીતિ પર ચર્ચા કરવી યોગ્ય નથી. પ્રિયંકાએ કહ્યું હતું કે, “પુલવામામાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ હુમલા પછી મને નથી લાગતું કે, હાલમાં રાજનીતિ વિશે ચર્ચા કરવાનો યોગ્ય સમય છે. પત્રકાર પરિષદ રદ્દ કરવાની સાથે સાથે કોંગ્રેસ નેતાઓએ બે મિનિટનું મૌન ધારણ કરી પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે પ્રિયંકા ગાંધીની સાથે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર તેમજ પશ્ચિમ ઉત્તરપ્રદેશ માટે પાર્ટીના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર હતા.