(એજન્સી) તા.૨૫
વિધિવત રાજકારણમાં પ્રિયંકા ગાંધીના પ્રવેશથી માત્ર કોંગ્રેસ કાર્યકરગણોમાં ઊર્જા અને ઉત્સાહનો સંચાર જ થયો નથી પરંતુ તેના કારણે લોકસભાની આગામી ચૂંટણી માટે ઉ.પ્ર.માં પક્ષનો એજન્ડા પણ નિર્ધારીત થવા લાગ્યો છે. પ્રિયંકા ગાંધીને પૂર્વાંચલ (પૂર્વ યુપી)ના પ્રભારી બનાવવામાં આવ્યા છે જે રાજ્યમાં બ્રાહ્મણનો ગઢ છે અને પ્રિયંકા ગાંધી સ્વયં બ્રાહ્મણ હોવાથી તેમને જીતવાનો પ્રયત્ન કરશે.
આ ઉપરાંત તે ઉ.પ્ર.ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ વારાણસીમાંથી ચૂંટણી લડ્યા હતા તે વિસ્તાર પણ પૂર્વાંચલમાં આવે છે. પ્રિયંકા ગાંધી હાલ અમેરિકામાં હોવાનું કહેવાય છે અને પોતાના પ્રવેશની રણનીતિ તૈયાર કરવા આ મહિનાના અંતે પરત આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસે ૪ ફેબ્રુ.ના રોજ લખનૌમાં રાહુલ-પ્રિયંકાની સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કર્યુ છે ત્યારબાદ ભાઇ-બહેનની રેલી લખનૌથી રાયબરેલી અને અમેઠી સુધી યોજવામાં આવશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાયબરેલી ખાતે પ્રિયંકા ગાંધીની સ્થાનિક ટીમે જણાવ્યું હતું કે પ્રિયંકા માત્ર બ્રાહ્મણ મતદારોને જ નિશાન બનાવશે એવું નથી પરંતુ તે ત્રણ મુદ્દાઓ ઉઠાવશે. દીદી (પ્રિયંકા) યુવાનો (નૌજવાનો) માટે રોજગારનો અભાવ, ખેડૂતો (કિસાનો)નું ઘેરું સંક્ટ અને લઘુમતીઓને (મુસલમાનોને) થતા અન્યાય અંગે વાત કરશે. ઉ.પ્ર. અને કેન્દ્ર ખાતે ભાજપના ગેરવહીવટ જેવા મુદ્દાઓ ઉઠાવવા ઉપરાંત આ ચાર મુદ્દા-બ્રાહ્મણ, નૌજવાન, કિસાન અને મુસલમાન ઉ.પ્ર.ની ચૂંટણીના પ્રચારમાં મુખ્ય એજન્ડા રહેશે એવું રાયબરેલીના પીઢ કોંગ્રેસ કાર્યકર એસકેએ જણાવ્યું હતું. મોટા ભાગના કાર્યકરોનું કહેવું છે કે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી જ ચૂંટણી લડશે અને સાથે સાથે પડોશના અમેઠીમાંથી પોતાના ભાઇનું કાર્યક્ષેત્ર સંભાળશે.