(એજન્સી) લખનૌ, તા.૩૦
કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીઆરપીએફ)એ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીના તાજેતરના લખનૌના પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષામાં ગાબડાના અહેવાલો નકારી કાઢ્યા છે અને નિયમોનો ભંગ કરવા તેમ જ પહેલાથી જાણ કર્યા વગર અનિર્ધારિત અવરજવર કરવાનો તેમની સામે આરોપ મૂક્યો છે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીને અર્ધ-લશ્કરી દળો ઝેડ-પ્લસ કેટેગરીનું સુરક્ષા કવચ પુરૂં પાડે છે. સીઆરપીએફે જણાવ્યું કે પ્રિયંકા ગાંધીએ ઓચિંતા તેમની યોજનાઓમાં ફેરફાર કર્યા હોવાથી એડવાન્સમાં સુરક્ષા લાયઝન થઇ શક્યું ન હતું. પ્રવાસ દરમિયાન તેમણે અંગત સુરક્ષા અધિકારી વગર નોન-બુલેટ રેઝિસ્ટન્સ વાહનનો ઉપયોગ કર્યો હતો. સીઆરપીએફે એવું પણ કહ્યું કે પ્રિયંકા ગાંધી એક સ્કૂટી પર પાછળ બેસીને ગયા હતા. પ્રિયંકા ગાંધીએ ૧૯મી ડિસેમ્બરે નાગરિકતા સુધારા કાયદા સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરવામાં આવેલા ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી એસઆર દારાપુરીના પરિવારને મળવા જતી વખતે લખનૌમાં તેમને ધક્કા મારવાનો પોલીસ સામે આરોપ મૂક્યો હતો. પોલીસ દ્વારા પ્રિયંકા ગાંધીને અટકાવવામાં આવ્યા હોવા છતાં તેઓ કોંગ્રેસના એક કાર્યકરના સ્કૂટર પર બેસીને દારાપુરીના પરિવારને મળવા માટે તેમના ઘરે ગયા હતા.