(એજન્સી) રાંચી,તા.ર૪
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપાનો સફાયો થઈ ગયો છે. તેને મત તો મળ્યા, પરંતુ બેઠકો ન મળી શકી. પાર્ટીના સ્ટાર પ્રચારકો પણ ફલોપ રહ્યા અને નરેન્દ્ર મોદી, અમિત શાહની સભાઓ પણ ઉમેદવારોને વિજય અપાવી શકી નહીં. ટકાવારીના હિસાબે જોઈએ તો અમિત શાહ સૌથી વધુ ફલોપ રહ્યા જયારે પ્રિયંકા ગાંધીનો સકસેસ રેટ ૧૦૦ ટકા રહ્યો. જો કે, તેમણે એક જ બેઠક પર સભા યોજી હતી. ભાજપાના સૌથી મોટા સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ પણ અહીં ન ચાલ્યો. રાજયની સૌથી ચર્ચાસ્પદ બેઠક પૂર્વીય જમશેદપુરમાં તેમણે સભા યોજી હોવા છતાં પણ ભાજપાના સૌથી મોટા ઉમેદવાર રઘુવરદાસનો વિજય ન થઈ શકયો. દાસ મુખ્યમંત્રી હતા અને તેમના નેતૃત્વ હેઠળ જ ભાજપાએ ઝારખંડ વિધાનસભાની ચૂંટણી લડી, દાસને પૂર્વીય જમશેદપુરમાં તેમની જ સરકારમાં મંત્રી રહી ચુકેલા સરયુ રાયે માત આપી રાયને ટિકિટ ન મળતા તે બળવાખોર બની ગયા હતા. નરેન્દ્ર મોદીએ ગુમલા, પૂર્વીય જમશેદપુર, પશ્ચિમ જમશેદપુર, બરહી, દુમકા, બરહેટ જેવા સ્થળોએ સભાઓ યોજી હોવા છતાં પણ અહીં ભાજપને નહીં પરંતુ બિનભાજપા અથવા તો અપક્ષ ઉમેદવારને જ વિજય મળ્યો છે. અમિત શાહે દેવધર બાધમારા, મનિકા, લોહરદગા, ચતરા, ગઢવા, બહરાગોડા, ચક્રધરપુર, ગિરીડીહ, પાકુડ, પોડૈયાહાટ એમ કુલ ૧૧ સ્થળોએ ચૂંટણી સભાઓ યોજી હતી. પરંતુ દેવધર અને બાધમારા સિવાય દરેક સ્થળોએ ભાજપાની હાર થઈ છે. જયારે પોડૈયા હાટમાં ઝારખંડ વિકાસ મોર્ચા (ઝાવિમો)ના બાબુલાલ મરાંડી અને અન્ય બેઠકો પર વિપક્ષી ગઠબંધનના ઉમેદવારોને જ વિજય મળ્યો છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કુલ પાંચ સભાઓ યોજી હતી. તેમાંથી ચાર બેઠકો પર કોંગ્રેસ અથવા સાથી દળોએ વિજય મેળવ્યો છે. પ્રિયંકાએ માત્ર પાકુડમાં સભા યોજી હતી અને ત્યાં કોંગ્રેસી ઉમેદવાર સફળ રહ્યા. ભાજપાને આ વખતે ગત ચૂંટણીની સરખામણીએ બે ટકા જ વધુ મતો મળ્યા છે. પરંતુ તેમની ૧ર બેઠકો ઓછી થઈ ગઈ છે. તેનાથી વિપરીત, ઝારખંડ મુકિત મોર્ચા (ઝામુમો)ને ર ટકા ઓછા મતો મળ્યા, પરંતુ બેઠકો ૧ર વધી ગઈ. ગત ચૂંટણીમાં ભાજપાએ ૭ર બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેને ૩૧.રપ ટકા મતો મળ્યા હતા. આ વખતે તેણે ૭૯ બેઠકો પર ચૂંટણી લડી અને ૩૩.૩૭ ટકા મતો મેળવીને પણ તેણે રપ બેઠકો જ પોતાના નામે કરી. જયારે વર્ષ ર૦૧૪માં ઝામુમોએ ૭૯ બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેને ર૦.૪૩ ટકા મતો મળ્યા હતા અને આ વર્ષે તેણે ૪૩ બેઠકો પર ચૂંટણી લડી, પરંતુ ૧૮.૭૩ ટકા મતો મેળવ્યા હોવા છતાં પણ તેણે ૩૦ બેઠકો પોતાના નામે કરી.
ઝારખંડમાં સ્ટાર પ્રચારક તરીકે અમિત શાહ ફલોપ નંબર ૧, પ્રિયંકા સૌથી હિટ

Recent Comments