(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૪
ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ચાલુ વર્ષે હજ પઢવા જનારા હજયાત્રિકોને તાલીમ આપવા અમદાવાદના ટાઉનહોલમાં હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીના પ્રમુખ સ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાંથી હજયાત્રાએ જનારા બારસો જેટલા હજયાત્રીઓએ ઉપસ્થિત રહી તાલીમ લીધી હતી. આ પ્રસંગે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા, ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરા ઉચ્ચ પોલીસ અધિકારી એસીપી ઈમ્તિયાઝ શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હજયાત્રીઓને શુભેચ્છા પાઠવતા હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદ અલી કાદરીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ગુજરાતમાંથી ૪૪૦૦૦ અરજીઓ આવી હતી તેમાંથી હજ કમિટીને મળેલ ક્વોટા મુજબ ૬૯૦૦ હાજીઓ નસીબદાર બન્યા છે. આપ નસીબદાર લોકો મક્કા-મદીના જઈ આપના કુટુંબ-સમાજ-કોમ અને આપણા મહાન રાષ્ટ્ર ભારતની શાંતિ અને પ્રગતિ માટે અલ્લાહથી દુઆ કરશો. હજ પઢીને પરત આવ્યા બાદ હાજીના વર્તનમાં સુધારો થવો જોઈએ અને આપણા વાણી-વર્તન વ્યવહારથી આપણા સમાજના અને દેશના લોકોને ખુશ રાખવા જોઈએ. પ્રો. કાદરીએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉની સરકારોને સબસિડીના નામે મુસ્લિમોને વર્ષો સુધી લોલીપોપ આપી હતી. હાજીને કદી સબસિડી મળતી ન હતી. ખુદ મુસ્લિમ ધર્મગુરૂઓ અને નેતાઓ પણ ઈચ્છતા હતા કે આ નામ માત્રની હજ સબસિડી બંધ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટના આદેશથી જ્યારે આ સરકારે હજ સબસિડી બંધ કરી છે ત્યારે હજ સસ્તી કરવા માટે ભારત સરકારને ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેને પાણીના જહાજથી હાજીઓને હજયાત્રા કરાવવાનું સૂચન કર્યું હતું. જે સરકારે સ્વીકારતા વર્ષ ર૦૧૯થી હવે હવાઈ જહાજના બદલે પાણીના જહાજથી હાજીઓ મક્કા-મદીના જશે. જીવનમાં એક વખત પણ હજ કે ઉમરાહ કરેલ હોય તેમની પાસેથી વધારાના પાત્રીસ હજાર બસો રૂપિયા લેવાના સઉદી સરકારના મનસ્વી ફરમાનનો પ્રો.મોહમ્મદઅલી કાદરીએ સઉદી સરકાર સમક્ષ વિરોધ નોંધાવવા ભારત સરકારને વિનંતી કરી હતી. સમારંભમાં ઉપસ્થિત હજ કમિટીના સભ્ય અને અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીએ તથા સમિતિએ હાજીઓ માટે કરેલ સુંદર કામગીરીની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પૈસાવાળા નહીં પરંતુ નસીબદાર લોકો જ હજ યાત્રાએ જતા હોય છે. હજના સમયગાળામાં હાજીઓએ પોતાનો મહત્તમ સમય ઈબાદત-બંદગીમાં પસાર કરી પોતાના અને દેશ માટે દુઆઓ કરવી જોઈએ. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વધુમાં જણાવ્યું હતું કે, હજ પઢીને આવ્યા બાદ હાજીઓના જીવનમાં ઘરમૂળથી ફેરફાર થવો જોઈએ. દિલમાં દયા, કરૂણા, વાણી વર્તન વ્યવહારમાં સુધારો, ગરીબો પ્રત્યે નરમી, ઈબાદતમાં વધુમાં વધુ લગાવ સહિત ઈસ્લામી જિંદગી જીવવા તરફ મન લાગે તો સમજવું હજની કબુલીયતની નિશાની છે. આથી હાજીઓ જ્યારે ઘરબાર છોડી ૪૦ દિવસ સુધી અલ્લાહની રાહમાં જતા હોય ત્યારે તેણે મક્કા અને મદીના શરીફમાં પાંચ સમયની નમાઝો સમયસર અદા કર્યા બાદ વધુમાં વધુ સમય ઈબાદતમાં પસાર કરવો જોઈએ. બજારોમાં ફરવા અને ખાવાપીવા માટે તો જિંદગી પડી છે. આથી ૪૦ કે ૪ર દિવસ જે પણ સમય ત્યાં પસાર કરવા મળે તેનો ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, સબસિડી બંધ થયા પછી પણ હજ પઢવા જનારાઓની સંખ્યામાં ઓટ આવી નથી. દરેક મુસ્લિમ જીવનમાં એક વખત મક્કા-મદીના જવાનું સપનું જોતો હોય છે. ગુજરાત પોલીસના એસીપી (અમદાવાદ શહેર) ઈમ્તિયાઝ શેખે હજ યાત્રાએ જતા લોકોને મુબારકબાદ આપી હતી. હજ કમિટીના સભ્ય અને તાજેતરમાં જ વકફ બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત થયેલા સજ્જાદ હીરાનું રાજ્ય હજ કમિટી વતી ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સજ્જાદ હીરાએ હાજીઓ માટે હજ કમિટીની અને ગુજરાત સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. સમારંભમાં હજ કમિટીના સભ્યો યાસીન અજમેરવાલા, યુનુસ તલાટ, યુનુસ મહેતર હજ કમિટીના ટ્રેનર્સ અને અમદાવાદના ફિલ્ડ ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મૌલાના હનીફે કર્યું હતું.