Ahmedabad

મ્યુનિ. દ્વારા નોન યુઝ મિલકતોને પ્રોપર્ટી ટેક્સમાં અપાતી ૭૦ ટકા રાહત ચાલુ કરો

અમદાવાદ, તા.૮
અમદાવાદ મ્યુનિ. કોર્પો.ને ઉપયોગ વિના પડી રહેલી અને જેના વીજળીના બિલ પણ શૂન્ય આવતા હોય તેવી મિલકતોને મિલકતવેરામાં અગાઉ અપાતી ૭૦ ટકા રાહત બંધ કરી દેતા આવી નોનયુઝ મિલકતનોના માલિકોમાં રોષ વ્યાપી ગયો છે. ઉલટાનું વર્ષોથી બંધ મિલકતોનો બાકી ટેક્સ વસૂલવા હરાજીમાં મૂકવાની જાહેરાત કરાતા મિલકતધારકોમાં દોડધામ મચી ગઈ છે. આ અંગે મ્યુનિ. કાઉન્સિલર બદરૂદ્દીન શેખએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, અમદાવાદ મ્યુ. કોર્પો.માં વર્ષોથી એવી પ્રથા છે કે, જે મિલકતોનો ઉપયોગ ના થતો હોય અને જેના વીજળીના બિલ પણ ઝીરો આવતા હોય તેવી મિલકતોને પ્રોપર્ટી ટેક્સમાં ૭૦ ટકા રાહત અપાતી હતી, પરંતુ મને જાણવા મળ્યા મુજબ તમે આ પ્રથાને બંધ કરી છે અને નોન યુઝ મિલકતોનો પણ એક સો ટકા વેરા વસૂલવા તાકીદ કરી છે. જે શહેરના સામાન્ય નાગરિકો માટે અસહ્ય છે. કોઈ મિલકતમાં આગ લાગી હોય બિસ્માર હાલતમાં હોય પડી ગઈ હોય ભયજનક હોય અથવા તો એ મિલકતનો ઉપયોગ જ થતો ના હોય છતાં પણ તેમને ટેક્સમાં રાહત અપાતી નથી. એવી મને કેટલીક ફરિયાદો મળી છે. મારી એવી લાગણી અને માગણી છે કે, આ અન્યાયી પ્રથાને બંધ કરવી જોઈએ અને જે મિલકતનો કોઈ વપરાશ જ નથી તેને પ્રોપર્ટી ટેક્સમાં ૭૦ ટકા રાહત આપવી જોઈએ. મારી જાણમાં આવ્યું છે કે, નારોલ વિસ્તારમાં આવેલા શિવશક્તિ એસ્ટેટમાં ગોડાઉન નં.૧૦પ મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર નામની કંપની ર૦૦રના રમખાણોમાં બાળી નાખવામાં આવી હતી. જેને ર૦૧૬માં રીપેર કરાયા પછી ફરીથી શરૂ કરાઈ હતી. બીજા શબ્દોમાં કહીએ તો એ ગોડાઉન લગભગ ૧૪ વર્ષ સુધી બંધ રહ્યું હતું. ગોડાઉનના માલિકને બંધ મિલકતની માફીનો લાભ મળ્યો નથી. માલિક દ્વારા તમામ પુરાવા રજૂ કર્યા છતાં પણ તેમને કોઈ જ રાહત અપાઈ નથી. એટલું જ નહીં એ મિલકતને તા.૧૧ જાન્યુ.ના રોજની હરાજીમાં મૂકવામાં આવી છે જે ટેક્સ પેયર નાગરિકને અન્યાય છે.
આથી બદરૂદ્દીન શેખએ મિલકતની હરાજીમાં રોકવામાં આવે અને બંધ મિલકતને ટેક્સમાં જે રાહત મળે છે. તેના લાભ આપવો જોઈએ તેવી માંગ કરી જણાવ્યું છે કે, મારી જાણ મુજબ શહેરમાં આવી તો હજારો મિલકતો છે જે નોનયુઝમાં પડી છે. જે અંગે વહેલી તકે સકારાત્મક નિર્ણય લઈ ગોડાઉન માલિકને રાહત આપવી જોઈએ.