માંગરોળ,તા.૨૩
માંગરોળ મુસ્લિમ સમાજના લોકોએ આજે સવારથી પોતાના ધંધા રોજગાર અને દુકાનો સજ્જડ બંધ રાખી CAA અને NRCનો વિરોધ કર્યો હતો. દેશની એકતા અને અખંડિતતાને તોડવા માટે અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી મતોનું ધૃવીકરણ કરવા સરકાર CAA અને NRC લાવી છે. દેશના બંધારણીય મુલ્યોને વિપરીત અસર કરતા આ કાળા કાયદાના વિરોધમાં દલિતો અને અન્ય અલ્પસંખ્યકો પણ બંધમાં જોડાયા હતા. માંગરોળ સહિત સમગ્ર તાલુકાના લોકોએ પણ સવારથી જ દુધ, શાકભાજી સહિત તમામ પ્રકારના વેપાર ધંધા બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. શહેરમાં પણ તમામ ફાયબર કંપનીઓ, માછલાના વેપારીઓ, ત્રોફાના વેપારો, ફીશ માર્કેટ, સબજી માર્કેટ, દુધ બજાર સજ્જડ બંધ રહેતા જનજીવન પર અસર પડી હતી. શહેરના બંદર ઝાપા, ગુલઝાર ચોક, ચા બજાર, ગાંધી ચોક, મકતુપુર ઝાપા, લાલપૂરા, કોઠલીયા, બાયપાસ વિસ્તાર, ઈન્દીરા નગર, શિફા વિસ્તાર અને લાલબાગ તેમજ શાપુર રોડ સહિતના તમામ મુસ્લિમ અને લઘુમતી વિસ્તારોમાં તમામ દુકાનો આખો દિવસ સજ્જડ બંધ રહી હતી. જ્યારે લિમડા ચોક, જુના બસસ્ટેન્ડ, એમજી રોડ, જેઈલ રોડ પર એકલ દોકલ દુકાનો ખુલ્લી રહી હતી. આ સાથે માંગરોળના હુસેનાબાદ, ચાખવા, નગીચાણા, ઝરીયાવાળા, વાડલા, આજક, વિરોલ, કારેજ શેરીયાખાણ, શેખપૂર સહિતના મોટા ભાગના ગામડામાં હિન્દુ-મુસ્લિમોએ સદંતર બંધ પડી વિરોધમાં જોડાયા હતા. માંગરોળ ખાતે એનઆરસી-સીએએ વિરોધમાં બંધને પગલે તમામ શહેરની તમામ લઘુમતી શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો તેમજ મદ્રેસાઓ પણ સજ્જડ રહ્યા હતા.
જમીયત ઉલ્માએ હિન્દ જૂનાગઢના જનરલ સેક્રેટરી અ. રજાકભાઇ ગોસલીયાએ CAA અને NRC વિશે સરકાર પર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો સરકાર આ કાયદો પરત નહીં ખેચે તો હજુ વધુ પ્રોટેસ્ટ અને ધરણા પ્રદર્શનો ચાલું રહેશે.
માંગરોળ બંધના પગલે જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્ર હાઈ એલર્ટ થયું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસ.પી. સૌરભ સિંઘ પોતે માંગરોળ કેમ્પ રાખી હાજર રહ્યા હતા. આ સાથે ઈન્ચાર્જ ડીવાયએસપી જે. બી. ગઢવી, માંગરોળ પોલીસ પીએસઆઇ વિંઝુડા, પીએસઆઇ ચૌહાણ, શીલ પોલીસના પીએસઆઇ ઝાલા, મરીન પોલીસના પીઆઈ રાઠોડ, પીએસઆઇ વાઘ તેમજ એલસીબી પીઆઈ કાનમીયા કેશોદ પીઆઈ બારડ, માળીયા પીએસઆઇ રાઠોડ, જૂનાગઢના કચોડ સાહેબ સહિતના અધિકારીઓ પોતાની પોલીસ ટીમ સાથે ખડેપગે રહ્યા હતા. શહેરના લિમડા ચોક, ગાંધી ચોક, મકતુપુર ઝાપા બંદરઝાંપા અને બસસ્ટેન્ડ વિસ્તારમાં પોલીસના કાફલા ખડકી દેવામાં આવ્યા હતા. આ સાથે શહેરના દરેક વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી સ્ટેન્ડ ટુ રહી હતી. પોલીસની સકારાત્મક ભૂમિકાની લોકોએ સરહાના કરી હતી. માંગરોળ બંદર ઝાપા વિસ્તારના જાગૃત યુવાનોએ ડીવાયએસપી ગઢવીને ગુલાબના ફૂલ આપી શાંતિના સંદેશા સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.