અમદાવાદ, તા.૨૩
સસ્પેન્ડેડ પીએસઆઈ શ્વેતા જાડેજા કે જેમના પર ભ્રષ્ટાચારનો આરોપ છે તેમની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કારણ કે, તપાસ કરનારા અધિકારીઓને જાણ થઈ છે કે તેમની મોટી બહેનના પતિ દેવેન્દ્ર ઓડેદરાના ખાતામાં આંગડીયા દ્વારા ૧૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જે હજુ પણ આ કેસમાં ફરાર છે. આ મહિનાની શરુઆતમાં જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી, તેમના પર બળાત્કારના આરોપીને સજા ન થાય તે માટે તેના ભાઈ પાસેથી ૩૫ લાખ રૂપિયાની લાંચ માગવાનો અને સ્વીકારવાનો આરોપ છે. હાલ તેઓ જેલના સળીયા પાછળ છે. એસઓજીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તેમની પાસે હવે સાક્ષી છે જેમણે તેમને કહ્યું કે, જાડેજાએ કે જેઓ મહિલા પોલીસ સ્ટેશન (પશ્ચિમ)માં તૈનાત હતા તેમણે આંગડીયા પેઢી દ્વારા ઓડેદરાને ૧૦ લાખ રૂપિયા મોકલ્યા હતા. અમે તપાસ કરી રહ્યા છીએ કે આ જે ટ્રાન્ઝેક્શન થયું છે તે વર્તમાન કેસનો ભાગ છે કે પછી અન્ય કોઈ કેસનો’, તેમ એસઓજીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ ઉમેર્યું કે, તપાસમાં બહાર આવ્યું છે કે ફરિયાદીના માણસો દ્વારા ઉપલેટામાં પૈસા મોકલવામાં આવ્યા હતા. ‘પહેલી ફેબ્રુઆરી અને ૬ ફેબ્રુઆરીના રોજ આંગડીયા પેઢી દ્વારા પાંચ-પાંચ લાખના પાર્સલ મોકલવામાં આવ્યા હતા. અન્ય ૨૦ લાખનું પાર્સલ બાદમાં મોકલવામાં આવ્યું હતું. બાદમાં જાડેજાએ વસ્ત્રાપુર સ્થિત પોતાના ઘરે ફરિયાદીને બોલાવ્યો હતો અને ૪ લાખ રૂપિયા તેમજ ૧.૧૨ લાખ રૂપિયાની કિંમતનો ફોન લીધો હતો’, તેમ એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું.