અમદાવાદ, તા.૩
અમદાવાદમાં તાલીમી પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં ચાર દિવસના અનેક વળાંકો બાદ ફરિયાદ દાખલ થઈ છે. દેવેન્દ્રસિંહની આવતીકાલે અંતિમવિધિ કરવામાં આવશે.
પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યાના મામલે હાલ વીડિયો કેમેરા સામે સમગ્ર એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા થઈ છે. આ કેસમાં મૃતક PSI ના પિતા સત્યેન્દ્રસિંહ રાઠોડ કેસના ફરિયાદી બનશે. ફરિયાદમાં DySP એન પી પટેલે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય IPC ૩૭૭ મુજબ અને અગાઉની માંગ પ્રમાણ IPC ૩૦૬ની કલમો સાથે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટનામાં મૃતક PSIના ગુપ્ત ભાગોમાં કોઈ ઇજાઓ છે કે કેમ તે અંગે ક્રાઇમ બ્રાન્ચે સિવિલ હોસ્પિટલના તબીબો પાસે રિપોર્ટ માંગ્યો છે. અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપોને લઈને ક્રાઇમ બ્રાન્ચે પણ રિપોર્ટ માંગ્યો છે.
૩૧મીએ ડિસેમ્બરે પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે આપઘાત કર્યો હતો અને તેમનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો હતો. તેમની અંતિમવિધિ શુક્રવારે કરવામાં આવશે. આ કેસમાં પરિવારજનો તરફથી એવા પણ અહેવાલ સામે આવ્યા હતા કે, જ્યાં સુધી PSI દેવેન્દ્રસિંહ રાઠોડ કેસમાં અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. આ સિવાય પરિવારજનોનું કહેવું હતું કે, જો અમને આ કેસમાં ન્યાય નહીં મળે તો અમે ગુજરાત છોડી દઇશું.
અમદાવાદમાં PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલ રાઠોડે મંગળવારે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે ડીવાયએસપી એન.પી. પટેલ વિરુદ્ધ મોટા આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દેવા માટે દબાણ કરતા હતા. પરંતુ મારો પતિ ટસથી મસ ન થતા આખરે આપઘાતનો વિચાર કર્યો હતો.
પોલીસ વિભાગમાં બનેલી આ ચકચારી ઘટનાને પગલે શહેરના પોલીસ કમિશ્નર એ.કે. સિંઘે સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવાના આદેશ આપ્યા હતા.
બુધવારે સાંજે ગૃહરાજ્યમંત્રીએ હસ્તક્ષેપ કરીને જણાવ્યું હતું કે, PSIએ કરેલા આપઘાત કેસમાં સંપૂર્ણ ન્યાયિક તપાસ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સરકારે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાનૂની રાહે તપાસની કાર્યવાહી શરૂ કરી છે અને ઘટનાના દુષ્પ્રેરણ માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર હશે તો તેની સામે કડક હાથે કાનૂની કાર્યવાહી હાથ ધરવાની બાંહેધરી આપી હતી. જો કે અંતે
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પરિવારજનોના આક્ષેપ પ્રમાણે ફરિયાદ નોંધી હોવાનું પરિવારના સભ્યએ જણાવ્યું હતુંં. ફરિયાદ બાદ તેમનો મૃતદેહ સ્વીકારાશે અને આવતીકાલે શુક્રવારે તેમની અંતિમવિધિ કરવામાં આવશે. ફરિયાદમાં મૃતકની પત્ની ડિમ્પલે લગાવેલ સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય સહિતના આરોપો ઉમેરવા તથા સ્યુસાઈડ નોટમાં જે લખ્યું છે તે તમામ બાબતોનું ધ્યાન રખાયું છે.

PSI આપઘાત કેસ : પરિવારજનોએ સુસ્યાઇડ નોટ માટે RTI ફાઈલ કરી

અમદાવાદના પીએસઆઈના આપઘાત કેસમાં પોલીસે હજી સુધી મૃતક દેવેન્દ્રસિંહ રાઠોડના પરિવારના લોકોને સુસાઇડ નોટની નકલ આપી નથી. આ મામલે મૃતકના પરિવારજનોએ હવે સોલા પોલીસ સ્ટેશનમાં આર.ટી.આઈ ફાઇલ કરી છે. પરિવારના લોકોએ માગણી કરી છે કે તેમને ૨૪ કલાકની અંદર આ માહિતી પૂરી પાડવામાં આવે. આ આપઘાત કેસમાં આખરે પરિવારજનોએ તેમનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થઇ ગયા છે. પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના કેસમાં ચોથા દિવસે પરિવારે એક શરત મૂકી છે. એટલે કે આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ જ મૃતદેહ સ્વીકારશે. આરટીઆઈમાં પરિવારના લોકોએ માહિતી અધિકાર નિયમ અંતર્ગત જીવન મરણ અને ન્યાયના કેસને આધિન ૨૪ કલાકમાં વિગતો માંગી છે. પરિવારે ૨૪ કલાકની અંદર પીએસઆઈના રૂમમાંથી મળેલી સુસાઇડ નોટની નકલ તેમજ તેના રૂમમાંથી મળેલી અન્ય વસ્તુની નકલ માંગી છે. સુસાઈડ નોટની નકલની સાથે સાથે આરટીઆઈમાં પોલીસે કરેલા પંચનામાની નકલ પણ માંગવામાં આવી છે. આ ઉપરાંત પ્રથમ જાન્યુઆરીના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા લેવામાં આવેલા પીએસઆઈના માતા-પિતા પત્ની, ભાઈ ઉપરાંત દેવેન્દ્રસિંહના સસરા અને તેમના સાળાના નિવેદનની નકલ આપવાની પણ માંગણી કરી છે.