અમરેલી,તા.૨૧
કળિયુગની પ્રતિતી કરાવતો કિસ્સો આજે રાજકોટના બોટાદમાં સામે આવ્યો છે. અહીં ભગવાનનું સ્વરૂપ ગણાતા ડોક્ટરે જ પોતાની પુત્રી સમાન ૧૬ વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાને પગલે બરવાળા પોલીસે આ નરાધમ ડૉક્ટર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટ નજીક આવેલા બોટાદના બરવાળા ગામમાં એક પશુ ડૉક્ટરે એક ૧૬ વર્ષીય કિશોરી સાથે બળાત્કાર કર્યો હતો. આ ૧૬ વર્ષીય કિશોરી જ્યારે ખેતરમાંથી પરત ફરી રહી હતી ત્યારે પશુ ડૉક્ટરે તેને ફોસલાવીને ઘરે મૂકી જવાનું કહીને કિશોરીને કોઈ અવાવરૂ જગ્યાએ લઈ જઈ કિશોરીને પીંખી નાંખી હતી. ત્યારબાદ જેમ તેમ કરીને કિશોરી પોતાના ઘરે પહોંચી હતી.
૧૬ વર્ષીય કિશોરી પોતાની સાથે થયેલા બનાવની જાણ પરિવારના ડરના કારણે કરી શકી નહોતી. પરંતુ અચાનક તેના પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. ઘરના લોકોએ જ્યારે પુત્રીને પુછ્યું ત્યારે તેને સમગ્ર બનાવની જાણ કરી હતી. પરિવારે સૌ પ્રથમ તો પુત્રીને ડૉક્ટર પાસે લઈ ગયો હતો, જ્યાં ડૉક્ટરે પણ કિશોરી સાથે રેપ થયાની જાણ કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે પશુ ડૉક્ટર વિરુદ્ધ કેસ નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.