અમદાવાદ, તા.રપ
સુરેન્દ્રનગરના મોટી મજેઠી ગામે આવેલા રિસોર્ટમાંથી અમદાવાદના વેપારીની દારૂની મહેફિલમાં ઝડપાવવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ પી. સી. સિંગરખિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીએસઆઈ રજા પર ન હોવા છતાં તેઓ દારૂની મહેફિલમાં હાજર હતા, જેને લઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ અમદાવાદ પોલીસને રિપોર્ટ કર્યો હતો, જેને લઇ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના મોટી મજેઠી ગામમાં આવેલા રિસોર્ટમાં અમદાવાદના એક વેપારીના જન્મદિવસની પાર્ટી મનાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પ્રશાંત સિંગરખિયા અને ચાર યુવતીઓ સહિતના નબીરાઓ રિસોર્ટમાં આવ્યા હતા. બજાણા પોલીસે દરોડો પાડી અમદાવાદના ૧૧ લોકો સહિત ર૧ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પીએસઆઈ સહિતના લોકોનું મેડિકલ કરાવ્યું હતું, જેમાં નશામાં ચકચૂર બનેલા આઠ શખ્સો સામે ગુનો દાખલ કરાયો હતો જ્યારે બાકીના ૧૩ લોકોનાં બ્લડ સેમ્પલ લઇ જવા દેવાયા હતા.