અમદાવાદ, તા.૧૭
રાજ્યમાં સોમવારથી ટ્રાફિકના નવા દંડનો અમલ શરૂ થઈ ગયો છે. ગઈકાલે પહેલા જ દિવસે પોલીસે નવા દંડ મુજબ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી દંડ વસૂલ્યો હતો. પીયુસી વગરના વાહનચાલકોને પીયુસી કઢાવવા માટે તા.૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય ખુદ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. તેમ છતાં પણ ગઈકાલે સરકારના આદેશની ટ્રાફિક પોલીસે ઐસી કી તૈસી બે વ્યક્તિઓ પાસેથી પીયુસી ન રાખવા બદલ ૫૦૦-૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. જેને લઇને આમજનતામાં ભારોભાર આક્રોશ ફેલાયો હતો. નાગરિકોએ બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કે, શું ટ્રાફિક પોલીસ રાજ્ય સરકાર કરતાં પણ ઉપર અને સત્તાધીશ છે. શું ટ્રાફિક પોલીસ રાજ્ય સરકારથી પણ મહાન છે એમ કહી ટ્રાફિક પોલીસ પર નાગરિકોએ રોષના ચાબખા વરસાવ્યા હતા. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે ગઈકાલે ૧૯૦૦ લોકો પાસેથી રૂા.૭,૦૨,૮૫૦નો દંડ વસૂલ કર્યો છે. જેમાં પીયુસી વગરના ૨ લોકોને ૧૦૦૦નો દંડ, હેલ્મેટ વગર ૬૨૨ લોકો પાસેથી રૂા.૩,૧૧,૦૦૦ રૂપિયા દંડ, સીટ બેલ્ટ વગર ૨૨૬ લોકો પાસેથી રૂા.૧,૧૩,૦૦૦ રૂપિયા દંડ અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાનો ૯ લોકોને ૫૦૦૦ રૂપિયા દંડ વસૂલાયો છે. મુખ્યત્વે ટ્રાફિક સાઈન ભંગના ૪૯ કેસ, ગેરકાયદે પાર્કિંગના ૩૯૮ કેસ, હેલ્મેટ વગરના ૬૨૨ કેસ, સીટ બેલ્ટ ન બાંધ્યા હોય તેવા ૨૨૬ કેસ, ડાર્ક ફિલ્મના ૪૮ કેસ, ત્રણ સવારી ૩૬૨ કેસ, લાઇસન્સ વગરના ૫૦ કેસ કરાયા હતા.