(એજન્સી) તા.૧૧
પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ)એ ૯૪ વર્ષીય ડો. હબીબખાનને મુકત કરવાની માગણી કરી છે. જેઓ હાલમાં જયપુર સેન્ટ્રલ જેલમાં ટાડા હેઠળ બંધ છે અને ભારતીય દંડ સંહિતા (આઈપીસી) હેઠળ અન્ય આરોપોમાં અને આતંકવાદ સંબંધિત આરોપોમાં છેલ્લા ર૬ વર્ષથી જેલમાં છે. પીયુસીએલના રાષ્ટ્રીય સચિવ કવિતા શ્રીવાસ્તવે આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર દિવસ નિમિત્તે આજે જયપુરમાં એક પત્રકાર પરિષદમાં હબીબખાનની મુકિતની માગણી કરી હતી. શ્રીવાસ્તવે માનવતા વાદી ધોરણે તેમને મુકત કરવા કહ્યું હતું. ભારતની કોઈપણ જેલમાં ડો. હબીબ સૌથી વૃદ્ધ કેદી છે. કવિતાએ કહ્યું કે ડો. હબીબ એક વૃદ્ધ વ્યકિત છે, જેને હૃદયરોગની સમસ્યા છે અને તેમણે આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી છે અને બધિર થઈ ગયા છે. તે પોતાનું ધ્યાન રાખી શકતા નથી. તેથી તેમને મુકત કરીને પરિવાર અને બાળકો સાથે રહેવાની મંજુરી આપવામાં આવે . ડો. હબીબ, ઉત્તરપ્રદેશના રાય બરેલી જિલ્લાના વતની છે અને ૧૯૯૩માં મુંબઈ ટ્‌્રેનમાં શ્રેણીવાર વિસ્ફોટોના સંબંધમાં તેમની ધરપકડ કરાઈ હતી. અને ર૦૦૪માં અજમેરની ટાડા કોર્ટે તેને આતંકવાદના આરોપોમાં આજીવન કેદની સજા ફટકારી હતી. વર્ષ ર૦૧૮માં દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ડો. ઝફરૂલ ઈસ્લામખાને ભારતના રાષ્ટ્રપતિ, પીએમ નરેન્દ્ર મોદી, રાજયપાલ અને રાજસ્થાનના સીએમ અને રાજસ્થાન હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને લેખિત અપીલ કરી હતી જેમાં ડો. હબીબને માનવતાવાદી ધોરણો પર મુકત કરવા વિનંતી કરી હતી.