Ahmedabad

પૂજાના બહાને લઇ જઇ પૂજારી ઉપર એસિડ હુમલો

અમદાવાદ, તા.૬
શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરના પૂજારી પર એક અજાણ્યા યુવકે કરેલા એસિડ એટેકને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વાસ્તુપૂજનના બહાને આ અજાણ્યો યુવક પૂજારી રામસેકવને પોતાના બાઇક પર બેસાડી લઇ ગયો હતો અને રસ્તામાં અવાવરૂ જગ્યાએ યુવકે બાઇક ઉભુ રાખી અચાનક જ તેમની પર એસિડ છાંટી ફરાર થઇ ગયો હતો.
ગંભીર રીતે દાઝી ગયેલા પૂજારીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં દાખલ કરાયા હતા. આ બનાવ અંગે ઓઢવ પોલીસે અજાણ્યા યુવક વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, ઓઢવ અને સારંગપુર ખાતે બે અલગ-અલગ હનુમાન મંદિર આવેલા છે અને તે બંને મંદિરોમાં અનુક્રમે રામસેવક અને સીધરાજ નામની વ્યકિતઓ શિષ્ય તરીકે રહેતા હતા. દરમ્યાન એક વર્ષ પહેલા મંદિરના પૂજારીનું નિધન થઇ જતાં બંને મંદિરનો કાર્યભાર રામસેવક અને સીધરાજના હાથમાં આવ્યો હતો. ઓઢવનું હનુમાન મંદિર રામસેવક સંભાળે છે, જયારે સારંગપુરનું હનુમાન મંદિર સીધરાજ સંભાળતા હતા. છેલ્લા ઘણા સમયથી રામસેવક ઓઢવ હનુમાન મંદિરમાં ટ્રસ્ટ બનાવવાની વિચારણા કરી રહ્યા હતા અને તે વાતથી નારાજ થઇ રામસેવક સાધુ પર આ એસિડ એટેક થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમછતાં પોલીસે એસિડ હુમલાનું ચોક્કસ કારણ જાણવા માટે સીસીટીવી ફુટેજ અને સ્થાનિકોના નિવેદનના આધારે એસિડ હુમલો કરનાર યુવકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, યુવક જે બાઇક લઇને આવ્યો હતો, તેની પર નંબર પ્લેટ લાગેલી ન હતી.વળી, તેણે માથા પર ટોપી પહેરેલી હતી તેથી તેની ઓળખ થઇ શકી નથી. તે વાસ્તુપૂજનના બહાને પૂજારી રામસેવકને તેની સાથે લઇ જવા આવ્યો ત્યારે પણ તેની બાઇક પર એસિડ હતુ. જો કે, યુવક પ્લાનીંગ સાથે આવ્યો હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે અજાણ્યા યુવક વિરૂધ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.