અમરેલી, તા.૨૬
રાજુલાના ભંડારીયા ગામે મંદિરના પુજારીએ જાફરાબાદના નાગેશ્રી ગામની યુવતીને હવન કરવાના બહાને બોલાવી યુવતીની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામેલ છે, ધાર્મિક જગ્યાના મહંત દ્વારા સમાજમાં શોભે નહિ તેવું કૃત્ય કરતા પૂજારી પ્રત્યે લોકોમાંથી ફિટકાર વરસેલ છે. બનાવ અંગે મંદિરના પૂજારી સામે યુવતીએ રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને તાત્કાલિક ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી મળેલ માહિતી અનુસાર રાજુલાના તાલુકાના ભંડારીયા (ભાક્ષી) ગામે રહેતા અને હનુમાન મંદિરમાં પૂજાનું કામ કરતા અને આશ્રમ ચલાવતા પૂજારી નરેશ ઉર્ફે હક્કાબાપુ એ ગત તા.૧૫/૧૨/૧૮ના રોજ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે રહેતી એક યુવતીને હવન કરવાના બહાને બોલાવેલ હતી અને આ યુવતી ભંડારીયા ગામે હનુમાન મંદિરના આશ્રમે આવતા આશ્રમના પૂજારી નરેશ ઉર્ફે હકાબાપુએ યુવતીને નજીકમાં આવેલ ડુંગરા પાસે એકાંત જગ્યાએ લઇ જઈ યુવતીની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજારેલ હતો. બનાવ અંગે યુવતીએ રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાજુલા પીઆઇ ડી.એ.તુવર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી નરેશ ઉર્ફે હક્કાબાપુની ધરપકડ કરી યુવતીને મેડિકલ કરવા આગળની તજવીજ હાથ ધરેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર યુવતીએ સાતેક વર્ષ પહેલા ભાવનગર લગ્ન કરેલ હતા અને ત્યાંથી છૂટું થયેલ હોવાથી તેણે બીજા લગ્ન નાગેશ્રી ગામે રહેતા એક શખ્સ સાથે કરેલ હતા ધાર્મિક જગ્યાના મહંત દ્વારા આવું કૃત્ય આચરતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચેલ છે.