જામનગર, તા.૧૮
ભાણવડના ઘુમલીમાં આવેલા બરડા ડુંગર સ્થિત આશાપુરા માતાજીના મંદિરના પૂજારીની ગઈકાલે સાંજે લૂંટના ઈરાદે આવેલા કેટલાક શખ્સોએ લોખંડની પાટ જેવું કોઈ હથિયાર માથામાં ઝીંકી તેઓની નિર્મમ હત્યા નિપજાવી છે. હત્યારાઓ જતા-જતા મૂર્તિ પરથી ઘરેણાં તેમજ એક મોબાઈલ લૂંટી ગયા છે. બનાવની જાણના પગલે દોડેલા પોલીસ કાફલાને મોડીરાત્રે ચાર અજાણ્યા શખ્સો જોવા મળ્યા હતા. જો કે, તેઓ પોલીસ નજીક આવે તે પહેલા પોબારા ભણી જવામાં સફળ થયા છે.
ભાણવડ તાલુકાના ઘુમલી ગામમાં આવેલા બરડા ડુંગર પર બિરાજતા આશાપુરા માતાજીના મંદિરમાં થોડા સમયથી પૂજારી તરીકે આવી કાર્યભાર સંભાળનાર હસમુખભાઈ જયશંકર પંડિત (ઉ.વ.પ૯) ગઈકાલે સાંજે નિત્યક્રમ મુજબ ડુંગર પર મંદિરમાં હાજર હતા. જ્યાં તેઓએ આરતી શરૂ કરી હતી અને તેની સાથે તેઓએ નગારા સહિતના વાજીંત્રો વાગે તે રીતની ગોઠવવામાં આવેલી ઈલેક્ટ્રિક સિસ્ટમ શરૂ કરી હતી.
આરતી શરૂ થયા પછી એકાદ કલાક સુધી નગારા વગેરે વાગતા રહેતા ડુંગરની તળેટીમાં ચા-પાણીની હોટલ ચલાવતા વ્યક્તિને હજુ સુધી આરતી કેમ ચાલુ છે તેવી શંકા ઉપજતા તેઓએ ઉપર જઈ મંદિરમાં જોતા પૂજારી હસમુખભાઈ પંડિતનો મૃતદેહ લોહીલોહાણ હાલતમાં જોવા મળ્યો હતો. આથી હોટલ સંચાલકે તુરંત જ અન્ય વ્યક્તિઓને બોલાવવાની સાથે પોલીસને જાણ કરતા ભાણવડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ દ્વારકા એલ.સી.બી.નો કાફલો દોડયો હતો.
ડુંગર પર પહોંચેલી પોલીસે ત્યાં સર્જાયેલું દૃશ્ય જોતા પૂજારી હસમુખભાઈના હાથમાં અગરબત્તી જોવા મળી હતી અને મંદિરમાં વાગી રહેલા ઈલેકટ્રોનિક વાજીંત્રો પણ યથાવત હતા. આથી પોલીસે હત્યા આરતીના સમય સાડા છ વાગ્યાથી સાડા સાત વાગ્યા વચ્ચે થઈ હોવાની આશંકા સેવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બનાવથી એસ.પી. રોહન આનંદને વાકેફ કરાતા તેઓની સૂચનાથી એ.એસ.પી. પ્રશાંત સુમ્બે દોડયા હતા. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી અંદર તપાસ કરતા માતાજીની મૂર્તિ પર ચડાવવામાં આવેલા ઘરેણામાંથી અમૂક ચીજવસ્તુઓ ગુમ જોવા મળી હતી. તેથી આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે.