(એજન્સી) શ્રીનગર, તા.૧
લશ્કર-એ-તૈયબાના વડા અબુ દુજાના સાથે બે ત્રાસવાદીઓ અને એક નાગરિકનું સૈન્ય સાથે થયેલ અથડામણમાં મોત થયો છે. આ એન્કાઉન્ટર કાશ્મીરના પુલવામા જિલ્લામાં મંગળવારે વહેલી સવારે થયું હતું. પોલીસે માહિતી આપી હતી કે આ પહેલા દુજાના પાંચથી છ વખત ભાગી જવામાં સફળ રહ્યો હતો. એની હત્યાથી સુરક્ષા બળોને મોટી સફળતા મળી છે જેનો ઉદ્દેશ્ય કાશ્મીરમાંથી ત્રાસવાદીઓને નશ્યત કરવાનો છે. બીજો ત્રાસવાદી અરીફ નબી દાર છે.સેના અધિકારીએ જણાવ્યું કે અબુ દુજાના એ++ લશ્કરનો ત્રાસવાદી હતો. કાશ્મીરના આઈજીએ મૃત્યુને પુષ્ટિ આપતા જણાવ્યું કે ત્રાસવાદીઓ તરફથી વધુ પ્રમાણમાં ગોળીબારો થઈ રહ્યા હતા. જેની સામે સેનાએ વળતો ગોળીબાર કરતા ત્રાસવાદીઓ સામે એક નાગરિકનું પણ મૃત્યુ થયું છે. એમણે કહ્યું પથ્થરમારો થાય કે ન થાય. અવરોધો થાય કે ન થાય પણ ત્રાસવાદીઓ સામે ઓપરેશનો ચાલુ જ રહેવાના છે. એક નાગરિકની મૃત્યુ બદલ એમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. અમે નાગરિકોને વારંવાર ચેતવણી આપીએ છીએ કે ઓપરેશનને અવરોધવા પ્રયાસો નહીં કરે પણ એ લોકો માનતા નથી જેથી ઈજાઓ અને મૃત્યુનો ભોગ બને છે.
એન્કાઉન્ટર ચાલુ જ હતું એ દરમિયાન કેટલાક ગામ લોકો દોડી આવ્યા અને એના ઉપર પથ્થરમારો શરૂ કર્યો જેથી પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા અને પેલેટગનનો પણ ઉપયોગ કર્યો. જેના લીધે એક નાગરિકને ગંભીર ઈજા થઈ અને હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરે મૃત જાહેર કર્યું. વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખી મંગળવારે શાળાઓ બંધ રાખવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ગુપ્તચર વિભાગમાંથી માહિતીના આધારે અમોએ ઓપરેશન હાથ ધર્યું હતું. પુલવામા જિલ્લાના હકરીપોરા ગામમાં દુજાના પોતાની પત્નીને મળવા આવ્યો હતો એ માહિતીના આધારે ઓપરેશન હાથ ધરાયો હતો. ત્રાસવાદીઓએ ગોળીબારો શરૂ કરતાં સૈન્યે પણ વળતા ગોળીબારો કર્યા હતા.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ સુરક્ષા બળોને આ સફળતા બદલ અભિનંદન આપ્યા હતા. અબુ-દુજાના અને આરીફ લિલહારીના મૃતદેહો મળી આવ્યા છે. દરમિયાનમાં કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે અને અમુક ભાગોમાં એની સ્પીડ ઓછી કરવામાં આવી છે. ત્રાસવાદીઓના મૃત્યુ પછી શ્રીનગરમાં પણ સંઘર્ષ થયું છે.