(એજન્સી) ચંદીગઢ, તા.ર૭
એક હિન્દુ સંગઠન દ્વારા મુસ્લિમોની છબિ ખરડવા અને પંજાબમાં કોમી અશાંતિ ફેલાવવા માટે વાયરલ કરાયેલી ફેસબુક વીડિયો બોગસ હોવાનું પુરવાર થતા ફરી એક વખત કટ્ટરવાદીઓના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું. એક કટ્ટરવાદી હિન્દુ સંગઠન દ્વારા ફેસબુક પર એક પેજ ચલાવવામાં આવે છે. આ પેજ પર એક બોગસ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. ‘આઈ સપોર્ટ અજીત ડોભાલ’નામથી ફેસબુક પર મૂકાયેલા આ પેજ પર એક વીડિયો અપલોડ કરાયો હતે. આ વીડિયો પંજાબનો અને રપ જુલાઈનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વીડિયો સાથે ચેડાં કરી એવું દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો કે, અમુક શીખો દ્વારા કેટલાક મુસ્લિમોને ભગાડી મૂકવામાં આવે છે. કેમ કે આ મુસ્લિમો પાકિસ્તાનના સમર્થનમાં દેખાવો કરી રહ્યા હતા. વીડિયો સાથે રજૂ કરાયેલા લખાણમાં જણાવવામાં આવ્યું હતું કે, પંજાબમાં મુસ્લિમોના એક જૂથ દ્વારા ધરણા પ્રદર્શન કરાઈ રહ્યું હતું અને તેઓ પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જેથી બે શીખોને ગુસ્સો આવતા તેઓએ પોતાની તલવાર કાઢી હતી. જે જોઈ મુસ્લિમો ભાગી ગયા હતા. જે તમને વીડિયો ગમ્યો હોય તો તેને આગળ જરૂર મોકલશો. ‘આઈ લવ અજીત ડોભાલ’ નામના ફેસબુક પેજ પર મૂકાયેલ આ વીડિયો દ્વારા શાંતિપ્રિય પંજાબમાં કોમી રમખાણો કરાવવાનો મનસૂબો હતો. જો કે આ વીડિયોની ખરાઈ કરતા સચ્ચાઈ સામે આવી હતી. હકીકતમાં આ વીડિયોમાં બતાવવામાં આવેલા લોકો શિવ સેનાના કાર્યકરો હતા અને તેઓ ખાલિસ્તાન સમર્થકો વિરૂદ્ધ દેખાવો કરી રહ્યા હતા. તેમના હાથ પર રહેલા પ્લે કાર્ડ પર લખવામાં આવ્યું હતું કે, ‘ખાલિસ્તાન મુર્દાબાદ.’
હિન્દુ સંગઠને આ વીડિયોને એક અલગ જ રંગ આપી રજૂ કર્યો અને એવો દાવો કર્યો કે, મુસ્લિમો પાકિસ્તાન તરફથી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સૌથી રસપ્રદ બાબત તો એ છે કે, ‘આઈ લવ ડોભાલ’ નામના પેજ પર દસ લાખથી પણ વધુ લાઈક છે અને આ પેજ પર વધુ પડતા કોમી અને પોર્નોગ્રાફી અપલોડ હતા.