(એજન્સી) ચંડીગઢ, તા.૨
પંજાબમાં નશાના વધતા કારોબાર પર રોક લગાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પંજાબ સરકારે નશીલા પદાર્થોના તસ્કરો માટે ફાંસીની સજાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. સોમવારે મળેલી કેબિનેટ બેઠકમાં પંજાબ સરકારે આ નિર્ણય લીધો છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. મુખ્યમંત્રી અમરિંદર સિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પંજાબમાં નશાના કારોબારને મૂળમાંથી ખતમ કરવા માટે અમે આ કારોબારમાં સામેલ લોકોને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. પંજાબના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું, “અમે કેન્દ્ર સરકારને તેના માટે પ્રસ્તાવ પણ મોકલી દીધો છે. નશાના કારણે નવી પેઢીઓ ખૂબ જ ખરાબ રીતે બરબાદ થઈ રહી છે. જેના કારણે પંજાબના યુવા તેનો શિકાર બની રહ્યા છે. એટલા માટે અમે નશાના કારોબારને મૂળમાંથી ખતમ કરવા માટે તેના સાથે જોડાયેલા કારોબારીઓ વિરુદ્ધ ફાંસીની સજા આપવાના માંગનું સમર્થન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન પંજાબની જનતાને વાયદો કર્યો હતો કે જો તેઓ સત્તામાં આવશે તો તેઓ પંજાબને નશાથી મુક્ત કરી દેશે.