(એજન્સી) તા.૧૯
પંજાબમાં નાગરિકતા સુધારા કાયદો, નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) અને જામિયા મિલ્લિયા ઇસ્લામિયા, દિલ્હી યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સહિત દેશભરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પર પોલીસની આતંકી કાર્યવાહી સામે જે વિરોધ વંટાળ ઊભો થયો છે તેમાં એક રસપ્રદ પેટર્ન જોવા મળી રહી છે.
જમણેરી પાંખના અપપ્રચારની વિરુદ્ધ આ વિરોધ દેખાવો માત્ર મુસ્લિમો નહીં પરંતુ તમામ ધર્મોના પંજાબીઓ દ્વારા યોજવામાં આવી રહ્યાં છે. બીજું વિદ્યાર્થી સંગઠનોએ સંગઠિત થવા અને કોમી ધોરણે લોકોમાં ભાગલા પડાવવાનો કોઇ પણ પ્રયાસ સાંખી લેવાશે નહીં એવો કડક સંદેશો આપીને વિદ્યાર્થીઓ તેમના વૈચારીક મતભેદો ભૂલીને સંગઠિત થઇ રહ્યાં છે.
તમામ બાબતો પર પંજાબીયત હવે છવાઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ એક માત્ર રાજ્ય છે જ્યાં લઘુમતીઓ બહુમતીમાં છે. જમ્મુ અને કાશ્મીર ઓગસ્ટમાં કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થયાં પહેલા આવું જ રાજ્ય હતું. આ ઉપરાંત પંજાબ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે. અત્રે એ જણાવવું પણ જરુરી છે કે પંજાબે બંગાળ સાથે મળીને દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને કારણે ઘણુ સહન કરવું પડ્યું છે અને તેઓ એવું ઇચ્છતા નથી કે ઇતિહાસ દોહરાય.
ગત સપ્તાહે પતિયાલા, માલેર કોટલા અને લુધિયાણામાં પંજાબ યુનિવર્સિટી દ્વારા શ્રેણીબદ્ધ વિરોધ-દેખાવો અને ત્યાર બાદ ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટી અને ગુરુનાનકદેવ યુનિવર્સિટી અને સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ મંગળવારે કેન્દ્ર સરકાર અને પોલીસ આતંક સામે બે અલગ અલગ વિરોધમાં અમૃતસરની કાતિલ ઠંડીની પરવાહ કર્યા વગર પોતાનો આક્રોશ વ્યક્ત કરવા એકત્ર થયાં હતા. ગુરુનાનકદેવ યુનિવર્સિટી ખાતે વૈચારીક રીતે અલગ અલગ વલણ ધરાવવા છતાં લોકો સામૂહિક રીતે એકત્ર થયાં હતાં તેમાં શીખ યુથ ઓફ પંજાબ, રીસર્ચ સ્કોલર એસોસિએશન, સ્ટુડ્‌ન્ટ ફોર સોસાયટી, પંજાબ સ્ટુડન્ટ યુનિયન, મૂળ નેવાસી સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન, ફુલે-આંબેડકર એસોસિએશન અને પંજાબ સ્ટુડન્ટ યુનિયનના પ્રતિનિધિઓએ આ દેખાવમાં ભાગ લીધો હતો. દેખાવકારોએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર હિંદી-હિંદુ-હિંદુત્વનો એજન્ડા ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો.