લંડન, તા.ર૭
હિન્દીમાં એક કહેવત છે ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરે છે. આવું જ કંઈક પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ વિશ્વકપમાં કરી રહી છે. આ વિશ્વકપની શરૂઆતમાં પોતાના ખરાબ પ્રદર્શન માટે ટીકાનો સામનો કરી રહેલું પાકિસ્તાન લીગ મેચોના અંતિમ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. દરેક જીત સાથે પાકિસ્તાન પોતાની દાવેદારીને મજબૂત કરી રહ્યું છે. એટલું જ નહીં ઈતિહાસ ઉપર નજર કરીએ તો અમુક સંયોગ પાકિસ્તાનના ચેમ્પિયન બનવાનો ઈશારો પણ કરે છે. આ વિશ્વકપ રોબિન રાઉન્ડ ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. આ પહેલા ૧૯૯રમાં આ ફોર્મેટમાં વિશ્વકપ રમાયો હતો ત્યારે ઈમરાનખાનના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન બની હતી. એટલું જ નહીં આઈસીસી વર્લ્ડકપે પોતાનું સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટથી એક તસવીર શેર કરી છે જેમાં તેણે પાકિસ્તાનના ૧૯૯રના પ્રદર્શનની ર૦૧૯ વિશ્વકપના પ્રદર્શન સાથે તુલના કરી છે. પાકિસ્તાને અત્યાર સુધી ૭ મેચ રમી છે. આમાં તેણે ત્રણ મેચ જીતી છે અને ત્રણ હારી છે. જ્યારે એકનું પરિણામ આવ્યું નથી. વર્ષ ૧૯૯રના વર્લ્ડકપ દરમ્યાન પણ ઈમરાનખાનની ટીમ સાથે આવું જ થયું હતું. જ્યારે પાકિસ્તાને પ્રથમ ૭ મેચોમાં ત્રણ જીત, ત્રણ હાર અને એક અનિર્ણિત રહી હતી. એટલું જ નહીં ઈતિહાસ પાકિસ્તાનને બીજીવાર ચેમ્પિયન બનાવવાનો વધુ એક ઈશારો કરે છે. વર્ષ ૧૯૮૩માં ભારતે વિશ્વકપ જીત્યો ત્યારબાદ ૧૯૮૭માં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું. ૧૯૯રમાં પાકિસ્તાને ટાઈટલ જીત્યું હતું આવી જ રીતે ર૦૧૧નો વર્લ્ડકપ ભારતે જીત્યો પછી ર૦૧પમાં ઓસ્ટ્રેલિયા અને હવે ર૦૧૯માં પાકિસ્તાન જીતી શકે છે.