(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
જનતાદળ(એસ)ના પ્રમુખ એચ.ડી.દેવગૌડાએ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા રાજ્ય વિધાનસભામાં પૂરક બજેટ રજૂ કરવા અંગેના કરેલા સૂચનને ફગાવી દીધું છે. તેમણે કહ્યું કે હું સિદ્ધારમૈયાની ટીકા કરવા માંગતો નથી. તેમણે કુમારસ્વામી કરતાં ઘણા બજેટ રજૂ કર્યા હશે. નવી સરકાર માટે પૂર્ણ બજેટ રજૂ કરવું જરૂરી છે. ગૌવડાએ ૧૯૯૬માં રર જુલાઈએ કેન્દ્રમાં યુનાઈટેડ ફ્રન્ટ સરકારના નાણામંત્રી પી.ચિદમ્બરમ્‌ દ્વારા પૂર્ણ કક્ષાના રજૂ કરાયેલ બજેટનો ઉલ્લેખ કરી કહ્યું કે કોંગ્રેસ તે સમયે બહારથી ટેકો આપતી હતી તે ડ્રીમ બજેટ હતું. કોંગ્રેસ બહારથી ટેકો આપતી હોવા છતાં કોંગ્રેસના કાર્યક્રમો બજેટમાં સામેલ કર્યા હતા. મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે તેઓ અગાઉથી કોંગ્રેસ સરકારના કોઈ કાર્યક્રમો બજેટમાં બંધ નહીં કરે. તેમ છતાં સિદ્ધારમૈયા પૂરક બજેટ પર ભાર મૂકી રહ્યા છે. ગૌવડાએ કહ્યું કે લોકોમાં વિશ્વાસ જગાડવા નવું બજેટ રજૂ કરવું જરૂરી છે. તેમણે આ મુદ્દો કોંગ્રેસ સાથે ઉકેલવાની આશા વ્યક્ત કરી છે. બજેટ સેશન પાંચ જુલાઈથી શરૂ થનાર છે.