અમદાવાદ, તા.૩૦
તાજેતરમાં પુરના પ્રચંડ પ્રકોપનો ભોગ બનેલા બનાસકાંઠાને ત્વરાએ પુર્વવત કરી રાજયનો શ્રેષ્ઠ અને સુવિધાસભર જિલ્લો બનાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે પુરના પ્રકોપ સામે પ્રજાના ખમીર અને રાજ્ય સરકારના સમયસરના સહાય રાહત પગલાંના પુરૂષાર્થથી વિજય મેળવવાનું ભગીરથ કાર્ય આપણે પાર પાડ્યું છે. મુખ્યમંત્રીએ બનાસકાંઠાના દિયોદરમાં ખેડુતોને પાક-વાવેતરના નુકસાન પેટે ૨ લાખ ૬૫ હજાર ખેડુતોને ૬૩૦ કરોડની સહાયના ચેક વિતરણનો પ્રતિકાત્મક પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ૨૦૧૫ અને ૨૦૧૭ એમ સતત બે મોસમમાં વરસાદી પાણી નદીના વહેણ બદલવાથી તારાજીનો ભોગ બનેલા ગામોને નવી જગ્યાએ વસાવવાના રાજ્ય સરકારના નિર્ણયના ભાગરૂપે ૧૦ ગામોના સરપંચોને નવું ગામતળ નીમ કરવાના પત્રો પણ અર્પણ કર્યા હતા. વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, નવા ગામોને તેમની હાલની સુવિધાઓ કરતાં પણ બહેતરીન સગવડો, શાળા, આરોગ્ય કેન્દ્રો, રસ્તા, વીજળી જેવી તમામ માળખાકીય સુવિધા સાથે વસાવવામાં સરકાર નાણાની કોઈ કસર છોડશે નહિ. મુખ્યમંત્રીએ કહ્યું કે, બનાસકાંઠાની આ વિપદામાં સાડા ૬ કરોડ ગુજરાતીઓએ પડખે રહીને હૂંફ-સધિયારા-સહાયનો ધોધ વરસાવ્યો છે. ૧૧ લાખ લોકોને કેશ ડોલ્સ, ઘરવખરી સહાય અપાઈ ગઈ છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર જમીન ધોવાણનો સરવે પૂર્ણ કરીને અસરગ્રસ્તોને સહાય તેમજ પાક વીમાની રકમ પણ ત્વરાએ આપવા સંકલ્પબદ્ધ છે. આ સહાય ચુકવણીમાં પણ પારદર્શિતા દાખવી ખેડુતોના બેન્ક ખાતામાં જ સીધી સહાય રકમ જમા થાય તે સુનિશ્વિત કર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી પુરની પરિસ્થિતિ સર્જાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં દોડી આવીને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી ૫૦૦ કરોડની સહાય આપી હતી. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજયમંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાની પ્રજાને પુરના સંકટમાં મદદ કરવા ગાંધીનગરને બદલે બનાસકાંઠામાંથી પાંચ દિવસ સુધી સરકાર ચલાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદનશીલતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે. મંત્રીએ કહ્યું કે પુર અસરગ્રસ્તોને સહાયની કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં બનાસકાંઠા જિલ્લામાં પુરની પરિસ્થિતિ અનેકવાર સર્જાઈ હતી પરંતુ તત્કાલીન કોંગ્રેસની સરકારોએ લોકોની મુશ્કેલીઓને સમજવાની તસ્દી જ નહોેતી લીધી. પરિણામે લોકોએ મુશ્કેલીઓ વેઠી છે.
પૂરની તારાજીનો ભોગ બનેલ બનાસકાંઠા જિલ્લાના ૧૦ ગામો અન્યત્ર વસાવાશે

Recent Comments