નવી દિલ્હી, તા. ૬
હાલના સમયે જ્યારે આખા વિશ્વમાં મહિલાના અધિકારોની માંગ બુલંદ છે ત્યારે ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાની ઘોસી સંસદીય મત વિસ્તારના ભાજપ સાંસદ હરિનારાયણ રાજભરેએ શૂન્યકાળમાં સંસદમાં પુરુષોના અધિકારના સંરક્ષણ માટે પુરૂષ આયોગ બનાવવાની માંગનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સાંસદે કહ્યું કે વર્તમાન સમયમાં મહિલાઓ પણ પુરુષ પર અત્યાચાર કરી રહી છે. એવામાં પુરૂષોના હિતની સુરક્ષા માટે આયોગની રચનાની તાતી જરૂરિયાત છે. મહત્વનું છે કે, શુક્રવારે સાંસદે શૂન્યકાળમાં મહિલાઓના અત્યાચારથી પીડિત પુરૂષોની વ્યથાનો મુદ્દો ઉઠાવ્યો. સાંસદે મહિલા પીડિત પુરૂષોની સુનાવણી અને તેમને ન્યાય આપવા માટેના ઉદ્દેશ્ય હેઠળ આયોગની રચનાની માંગ કરી હતી. સાંસદે કહ્યું કે દેશભરમાં મોટી સંખ્યામાં એવા પુરૂષો પણ છે, જે મહિલા અત્યાચારનો ભોગ બન્યા છે. તેની કોઈ જગ્યાએ સુનાવણી થતી નથી. સાંસદે વધુમાં કહ્યું, મહિલા અત્યાચારની કલમ પર એકતરફી રીતે સુનાવણી થઈ રહીં છે. પુરૂષ ઘરથી લઈને પોતિના કાર્યસ્થળ સુધીમાં કેટલીક વખત મહિલાના અત્યાચારનો શિકાર બને છે. એવી સ્થિતિમાં દેશમાં પુરૂષ કમિશનની રચના કરવી જોઈએ. જેમાં પીડિત પુરૂષોની સુનાવણી થાય અને તેમને ન્યાય મળી શકે. દેશમાં જેવી રીતે મહિલા આયોગ, એસસી-એસટી આયોગ જેવા સંબંધિત પક્ષ અત્યાચાર સંબંધિત ફરિયાદોને સાંભળી તેમને ન્યાય પ્રદાન કરે છે. તેવીરીતે પુરૂષ આયોગ પણ પીડિત પુરૂષોની સુનાવણી કરે. સાંસદની વાતને સાંભળી બધા સાંસદો ગૃહમાં હસી પડ્યા. એટલુ જ નહીં, ગૃહમાં ઉપસ્થિત પાંચ મહિલા સાંસદ પણ પોતાના હાસ્યને રોકી શક્યા નહીં.