(એજન્સી) નવી દિલ્હી,તા.૨૬
સંસંદમાં રેલ્વેની પરિસ્થિતિ પર કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો કે ટ્રેનોમાં ભોજન માણસોને ખાવાલાયક હોતું નથી. આ રિપોર્ટને થોડા દિવસ અગાઉ જ રજૂ કરવામાં આવ્યો હતો અને હવે ઉત્તર પ્રદેશના મુસાફરોએ આનો પુરાવો પણ આપી દીધો છે. મંગળવારે પૂર્વા એક્સપ્રેસમાં આપવામાં આવેલા ભોજનમાં મરી ગયેલી ગરોળી જોવા મળી હતી. શ્રદ્ધાળુઓનું એક ટોળું ઝારખંડથી યુપી માટે મુસાફરી કરી રહ્યું હતું, તે સમયે તેમને બિરિયાની પિરસવામાં આવી અને તેમાં મરેલી ગરોળી જોવા મળી હતી. એક વ્યક્તિ તો બિમાર પણ પડી ગયો છે. જ્યારે ટિકિટ ચેકર અને પેન્ટ્રીકારને આની ફરિયાદ કરવામાં આવી, પરંતુ તેમણે આ તરફ કોઈ પણ ધ્યાન આપ્યું નહીં. ત્યારબાદ મુસાફરે રેલ્વેમંત્રી સુરેશ પ્રભુને ટ્‌વીટ કરીને સમગ્ર મામલાની જાણકારી આપી. આ ટ્‌વીટનો પ્રભાવ એ પડ્યો કે, જેવી જ ટ્રેન યુપીના મુગલસરાય સ્ટેશનની પાસે ઊભી રહી તો ઘણાં વરિષ્ઠ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને બિમાર વ્યક્તિને દવાઓ આપી. સાથે જ કાર્યવાહીનો પણ વિશ્વાસ અપાવ્યો. મુગલસરાય સ્ટેશનના વરિષ્ઠ અધિકારી કિશોર કુમારે જણાવ્યું કે, અમારા માટે સૌથી મોટી ચિંતા મુસાફરના સ્વાસ્થ્યને લઈને છે. ટ્રેન આવતા પહેલા જ ડૉક્ટર સાથે તેમના સ્વાસ્થ્યને લઈને વાતચીત થઈ ગઈ હતી અને તેમણે દવાની જાણકારી આપી દીધી હતી. અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ અને સખત કાર્યવાહી પણ કરીશું.