અમદાવાદ, તા.૧૬
મેટ્રો રેલ પ્રોજેકટના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર એવા પૂર્વ આઇએએસ અધિકારી અને હોટલ કેમ્બે ગ્રાન્ડના ચેરમેન સંજય ગુપ્તા, તેમની ડિરેકટર પત્ની નીલુ ગુપ્તા અને એમડી મનોજ સિંઘલ વિરૂધ્ધ અમદાવાદ જિલ્લા ગ્રાહ્‌ક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ આર.એમ.પરમારે ગ્રાહક સુરક્ષા અધિનિયમની કલમ-૨૭ અન્વયે જામીનલાયક વોરંટ કાઢયું છે. હોટલ કેમ્બે ગ્રાન્ડ સામે સેવામાં ખામી બદલ ગ્રાહક ફોરમે અગાઉ ફરિયાદી ગ્રાહકને સવા લાખ રૂપિયાનું વળતર વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા સંજય ગુપ્તા તથા અન્યોને હુકમ કર્યો હતો પરંતુ તેનું પાલન નહી થતાં આ હુકમની અમલવારી(એકઝીકયુશન) માટે ફરિયાદી ગ્રાહક તરફથી ગ્રાહ્‌ક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખ દ્વારા કરાયેલી દરખાસ્ત અરજીની સુનાવણીમાં અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે આ હુકમ કર્યો હતો. ફોરમે સોલા પોલીસમથકના પીઆઇને ઉદ્દેશીને કરેલા હુકમમાં વધુમાં જણાવ્યું હતું કે, સામાવાળાને પકડીને કોર્ટ સમક્ષ રજૂ કરવા. તા.૨૯મી ડિસેમ્બરના રોજ કોર્ટ સમક્ષ હાજર કરવા. સામાવાળા રૂ.પાંચ હજારના જાતમુચરકા આપે તે સાથે તેમને રૂ.૫૦૦૦ના જામીન આપ્યેથી મુકત કરવા. ફરિયાદી ગ્રાહક ચંદ્રકાંત બી.ઉપાધ્યાયે તેમના પુત્રના લગ્ન પ્રસંગ નિમિતે હોટલ કેમ્બે ગ્રાન્ડનો મેરેજ રિસેપ્શન માટે હોલ બુક કરાવ્યો હતો અને નિયમમુજબ, ૨૫ ટકા લેખે રૂ.સવા લાખ એડવાન્સ જમા કરાવી કન્ફર્મ બુકીંગ કરાવ્યું હતું. જો કે, હોટલ મેનેજમેન્ટ દ્વારા મનસ્વી રીતે હોલનુ બુકીંગ કેન્સલ કરી એડવાન્સ અવેજનું રિફંડ પણ પરત કર્યું ન હતું. જેને પગલે ફરિયાદીને છેલ્લી ઘડીયે સામાજિક પ્રસંગ સાચવવા અન્ય હોલ બુક કરાવવા ભાગદોડ કરવી પડી હતી અને માનસિક યાતનામાંથી પસાર થવુ પડયું હતું. હોટલ કેમ્બે ગ્રાન્ડ સામે સેવામાં ખામી બદલ કરાયેલી ફરિયાદમાં ગ્રાહક ફોરમે આ ફરિયાદ મંજૂર કરીને તા.૯-૪-૨૦૧૪થી વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે રૂ.સવા લાખની રકમનું વળતર ચૂકવી આપવા અને ખર્ચના રૂ. આઠ હજાર અલગથી ચૂકવી આપવા સામાવાળાઓને હુકમ કર્યો હતો. બબ્બે વર્ષનો લાંબો સમયગાળો વીતી જવા છતાં સામાવાળાઓ દ્વારા હુકમનું પાલન નહી કરાતા અને અદાલતી હુકમનો તિરસ્કાર થતાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક સુરક્ષા અધિનિયમની કલમ-૨૭ અન્વયે કસૂરવાર સામાવાળાઓને ત્રણ વર્ષની જેલની શિક્ષા ફરમાવવા દરખાસ્ત અરજી કરી અમદાવાદ જિલ્લા ગ્રાહક ફોરમને સખત કાર્યવાહીનો હુકમ કરવા અનુરોધ કર્યો હતો. જે દલીલો ગ્રાહ્ય રાખી ફોરમે હોટલ કેમ્બે ગ્રાન્ડના ચેરમેન સંજય ગુપ્તા, તેમની ડિરેકટર પત્ની નીલુ ગુપ્તા અને એમડી મનોજ સિંઘલ વિરૂધ્ધ જામીનલાયક વોરંટ જારી કર્યું હતું અને તેમને તા.૨૯મી ડિસેમ્બર સુધીમાં વોરંટ બજાવી કોર્ટ સમક્ષ હાજર કરવા સોલા પોલીસમથકના પીઆઇને હુકમ કર્યો હતો.