(એજન્સી) નવી દિલ્હી, તા.ર
દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એ.પી.શાહ ન્યાયતંત્ર સાથે જોડાયેલ એક ખ્યાતનામ વ્યક્તિ છે. જેમણે આજની ન્યાયતંત્રની પરિસ્થિતિ વિષે ચર્ચા કરી ટિપ્પણીઓ કરી છે.
એમણે કહ્યું કે આપણું ન્યાયતંત્ર હાલમાં સંપૂર્ણપણે અસ્થિરતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જે પાછલા છેલ્લા થોડા વર્ષોમાં કયારેય જોવાયું ન હતું. જજ એ.પી.શાહ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પત્રકાર અરૂણ શૌરીની પુસ્તકના વિમોચન માટે યોજાયેલ કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. એમણે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયમાં એ કઈ હદે નબળી થઈ ગયું છે એ દર્શાવે છે. શાહે કહ્યું કે, ન્યાયતંત્રમાં ગંભીર વિશ્વસનીયતાની કટોકટી ઊભી થઈ છે જ્યારે સુપ્રીમકોર્ટના ચાર વરિષ્ઠ જજો મુખ્ય ન્યાયાધીશની કાર્યપ્રણાલિ સામે પ્રશ્નો કરી રહ્યા છે. સુપ્રીમકોર્ટ નિષ્પ્રાણ અને ઉત્સાહવિહિન સંસ્થામાં પરિવર્તિત થઈ ગઈ છે. એક બાજુ તમે સામાન્ય લોકોને ન્યાયનું પાલન કરાવવા દબાણો કરી રહ્યા છો અને બીજી બાજુ સશક્ત અને પૈસાદાર લોકો ન્યાયતંત્રને પોતાની મરજી મુજબ ચલાવી રહ્યા છે. આ જ પ્રસંગે પૂર્વ સીજેઆઈ આર.એમ.લોધાએ પણ આ મુજબના મંતવ્યો દર્શાવ્યા હતા.