ભૂજ, તા.રર
અમદાવાદના મણિનગર પોલીસ મથકમાં એક આરોપીનું કસ્ટોડિયલ ડેથ થવાના ત્રણ વર્ષ જૂના કેસમાં તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટર અને હાલમાં પૂર્વ કચ્છમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા વી.જે. ગઢવી સહિત કુલ ૪ પોલીસ કર્મીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાતા ગુજરાતના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર પ્રકરણની વિગતો એવી છે કે નવેમ્બર ર૦૧૪માં અમદાવાદના મણિનગરમાં જાહેર માલમિલકતમાં અને વાહનોમાં ટોળાએ તોડફોડ કરી હતી. ઉપરાંત ચાની રેંકડી ધરાવતા શિવરાજ પાટિલ નામના શ્રમિકની છરી મારી હત્યા પણ કરાઈ હતી. આ સંદર્ભે મણિનગર પોલીસે જે-તે વખતે કુલ ૧૮ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ૧૮ શખ્સો પૈકી વિક્રમરાણા ઉર્ફે વિકી થાપાનું જે-તે વખતે મણિનગર પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથ થયું હતું. જેથી મૃતક વિકી થાપાની બહેન રેણુકા થાપાએ અમદાવાદ પોલીસ કમિશનરને એવી અરજી કરી હતી કે તેના ભાઈ વિકી થાપાનું મોત પોલીસ ટોર્ચરથી થયું છે. આ બાબતની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી અને તેનો રિપોર્ટ અમદાવાદ પોલીસ કમિશનરને સોંપવામાં આવતા જે-તે વખતના પોલીસ ઈન્સ. વી.જે. ગઢવી, તત્કાલિન એસીપી રીમા મુન્શી, પોલીસ સબ ઈન્સ. નરેશ ચૌધરી અને ભરત નામના પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તત્કાલિન એસીપી રીમા મુન્શી હાલમાં રજા પર હોવાનું જાણવા મળ્યું છે જ્યારે તત્કાલિન પો.ઈન્સ. વી.જે. ગઢવી પૂર્વ કચ્છ પોલીસમાં હેડક્વાર્ટરમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.