(એજન્સી) તા.૧૧
ઇન્ટરપોલે ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની બહેન પૂર્વી મોદીને પંજાબ નેશનલ બેંક કૌભાંડના સંદર્ભમાં સોમવારે રેડ કોર્નર નોટિસ બજાવી છે. ઇન્ટરપોલ દ્વારા જારી કરવામાં ંઆવેલ આ રેડ કોર્નર નોટિસમાં પૂર્વી મોદી પર મની લોંડરીંગનો આરોપ મૂકવામાં આવ્યો છે. નીરવ મોદી અને તેના ભાઇ વિશાલ મોદી બાદ નામજોગ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ મેળવનાર પૂર્વી મોદી પરિવારમાં ત્રીજી વ્યક્તિ છે. મની લોંડરીંગના આરોપસર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) દ્વારા કરવામાં આવેલ વિનંતી બાદ પૂર્વી મોદીને રેડ કોર્નર નોટિસ બજાવવામાં આવી છે. મુંબઇમાં જન્મેલ પૂર્વી મોદી હાલ બેલ્જીયમનું નાગરિકત્વ ધરાવે છે. ભારત તેમજ અમેરિકામાં આ કૌભાંડમાં તપાસ કરી રહેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર્વી મોદી નીરવ મોદીના મોટા ભાગના ગેરકાયદે નાણાનો વહીવટ કરનાર મુખ્ય વ્યક્તિ હતી. નીરવ મોદી તપાસ કેસમાં એવું બહાર આવ્યું છે કે નીરવ મોદીએ પોતાની કંપનીમાંથી ખાનગી ઇન્વેસ્ટમેન્ટ અને છાયા કંપનીઓમાં રોકાણ કરીને મની લોંડરીંગ કરવા માટે બે ટ્રસ્ટ અને કેટલીક સેલ કંપનીઓનો ઉપયોગ કર્યો હતો. પૂર્વી મોદી નીરવ મોદીની ખાસ વિશ્વાસુ હતી અને આ છાયા તેમજ જાલી કંપનીઓ દ્વારા ગેરકાયદે તમામ નાણાંની લેવડદેવડ પૂર્વી મોદી દ્વારા થતી હતી. નીરવ મોદીએ ભારતની બહાર મૂડીરોકાણ કરવા માટે પોતાની હોંગકોંગ સ્થિત ફાયર સ્ટાર હોલ્ડિંગ લિમિટેડ (એફએચએલ)નો ઉપયોગ કર્યો હતો. પૂર્વી મોદી યુરોપ અને અમેરિકામાં નીરવ મોદીની કંપનીઓનું નિયંત્રણ કરનાર હોંગકોંગ ઓપરેશનનો વસ્તુતઃ કારોબાર સંભાળતી હતી. ઉચાપત કેસમાં તપાસ કરનાર અધિકારીઓનું કહેવું છે કે પૂર્વી મોદીએ કાળાનાણાંને સફેદ કરવા માટે બ્રિટીશ વર્જીન આયલેન્ડની બહાર આવેલી નકલી સેલ કંપનીઓ ચલાવતી હતી. આ કંપનીઓમાં પેવિલિયન પોઇન્ટ કોર્પોરેશન અને લિંક હાઇ ઇન્ટરનેશનલ કંપનીનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત પૂર્વી મહેતાની માલિકીની એક બીજી સેલ કંપનીનુું નામ ફાઇન ક્લાસિક એફઝેડઇ હતું જે કોંગકોંગ સ્થિત જાલી કંપની હતી. આમ નીરવ મોદીના નાણાનો કાળો કારોબાર પૂર્વી મોદી સંભાળતી હતી.