પાટણ, તા.ર૯
પાટણમાં આજે સાંજે ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો પાટણ શહેરમાં પ્રથમવાર ભાજપના કાર્યકર્તાઓ ઉપર પોલીસ ભારે પડી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮ર મીટર ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે કરેલા નિવેદનના વિરોધમાં આજે સાંજે પાટણમાં બગવાડા ચોકમાં ભાજપ દ્વારા બંને નેતાઓના પૂતળાદહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેને અનુલક્ષી ભાજપના કાર્યકરો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે રાહુલ ગાંધીનું પૂતળુ લઈને આવતા ફરજ પર તૈનાત પોલીસે ભાજપના કાર્યકરો સાથે ઝપાઝપી કરી પૂતળુ છીનવી લીધું હતુ અને પૂતળા દહનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો. પૂતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવાતા મોટી સંખ્યામાં એકઠા થયેલા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધી અને પરેશ ધાનાણી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ પ્રગટ કર્યો હતો.