અમદાવાદ, તા.૧૮
મોંઘવારી, પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો ખેડૂતોની સમસ્યા સહિતના મુદ્દે સરકાર વિરૂદ્ધ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં મુખ્યમંત્રી શ્રમ યોજનાના કર્મચારીઓ અને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મુખ્યમંંત્રી રૂપાણીના ઘર પાસે અને મંત્રી કુંવરજી બાવળિયાના ઘર પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મોદીના માથાવાળો મોંઘવારીના રાક્ષસનું પૂતળાદહન કરવામાં આવ્યું હતું. ગાંધીગ્રામ પોલીસે ર૦થી વધુ લોકોની અટકાયત કરી હતી.
દેશભરમાં વધી રહેલી મોંઘવારીને લઈને કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ મહેશ રાજપૂતની આગેવાનીમાં વાણીયાવાડી વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ઘર નજીક ‘આ દેશની મોંઘવારી વધારનાર મહિષાસૂર’ લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની સરકાર અને વડાપ્રધાન મોદી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે પૂતળાદહન કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જો કે કોંગ્રેસના આ કાર્યક્રમમાં કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, દેશમાં જે રીતે મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને લઈને મધ્ય વર્ગની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે અમે આ માટે વડાપ્રધાન મોદીને જવાબદાર માનીએ છીએ અને પ્રજાને ભાવવધારાથી રંજાડનાર આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહિષાસુર નામના રાક્ષસ માનીએ છીએ. જેને લઈને ‘આ દેશની મોંઘવારી વધારનાર મહિષાસુર’ લખી તેમના પૂતળાનું દહન કર્યું છે. સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવા માટે જરૂરી પ્રયાસો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રમયોજનાના કર્મચારીઓએ પગાર સહિતના પ્રશ્ને મુખ્યમંત્રી રૂપાણીના ઘરની બહાર દેખાવો કર્યા હતા. મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરતાં કર્મચારીઓ ઘર નજીક પહોંચે તે પહેલાં જ ગાંધીગ્રામ પોલીસે ર૦થી વધુ કર્મચારીઓની અટકાયત કરી હતી.