(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૭
સાવરકુંડલામાં પુત્રીએ પિતા પાસે આઈફોન મોબાઈલ લઇ દેવાની માગણી કરતા પિતાએ મોંઘા મોબાઈલ માટે પૈસા નહીં હોવાથી ના પાડતા પુત્રીને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી જઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી વિગતો અનુસાર સાવરકુંડલામાં ભુવા રોડ ઉપર રહેતા જગદીશભાઈ જીવાભાઈ જીવાણી (ઉ.વ.૪૮)ની પુત્રી રૂપાલી (ઉ.વ.૨૦)ને આઈફોન મોબાઈલ લેવો હોઈ અને તે માટે તેણે તેના પિતા જગદીશભાઈને આઈફોન મોબાઈલ લઇ દેવાનું કહેતા પિતાએ મોંઘો ફોન લેવા માટે તેમની પાસે પૈસા ના હોવાથી પુત્રીને ના પાડતા રુપાલીને લાગી આવતા ઝાડના મૂળમાં પાવાની ઝેરી દવા બ્લ્યુ મેજીક પી જઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો. આ બનાવ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસમાં જગદીશભાઈએ જાહેર કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.