દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની શુક્રવારે સાંજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ સંપન્ન કરવામાં આવી હતી જેમાં અટલને અંતિમ વિદાય આપવા માટે વિશાળ અંતિમ યાત્રામાં સ્મૃતિ સ્થળ સુધી વિદેશી રાષ્ટ્રોના નેતાઓ સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓ જોડાયા હતા. પરંપરાગત રીતે વાજપેયીના પાલક પુત્રી નમિતા ભટ્ટાચાર્યે મુખાગ્નિ આપ્યો હતો જ્યારે અન્ય પરિવારજનો તેમની સાથે જોડાયા હતા જેમાં તેમની પુત્રી નિહારિકા આ સમયે ભાવુક બની હતી. તેમને મુખાગ્નિ અપાયો ત્યારે એકદમ શાંત વાતાવરણ થઇ ગયું હતું અને ફક્ત સૈનિકો દ્વારા સલામી અપાતા તેમના પગનો જ અવાજ આવી રહ્યો હતો. યમુના નદીના કિનારે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર જ્યારે અંતિમ વિધિ કરવામાં આવી ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી, અમિત શાહ, એલકે અડવાણી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હજારો લોકો વચ્ચે હાજર રહ્યા હતા.