જૂનાગઢ, તા. ૧૬
વિસાવદરમાં ગતરોજ બસસ્ટેન્ડ ચોકમાં રજાક આદમ મોદીનું છોટા હાથી ડીટેઇન કર્યું હતું અને તેઓને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. પોલીસે રજાકભાઇને ઢોરમાર મારતા પુત્રી આશિયાના પોલીસ સ્ટેશન દોડી આવી હતી. પિતાને છોડાવવા વચ્ચે પડેલી આશિયાનાને મહિલા પોલીસે માર માર્યો હતો. આથી આશિયાનાએ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં ઝેરી દવા પી લીધી હતી. આથી તેને વિસાવદર હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં તેનું મોત નિપજતા મામલો ગરમાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ઝેરી દવા પીતી દિકરીને પોલીસ ન બચાવી શકી હોવાથી પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. આ પોલીસનું દમન કયારે બંધ થશે. આપઘાત કરતી દીકરીને પોલીસ કેમ ન બચાવી શકી એ પણ મોટો પ્રશ્ન છે.
આવા પોલીસ અધિકારીઓને રક્ષક કેમ કહેવા એ પણ એક સવાલ છે. શું હપ્તાખોરની જ પોલીસ મદદ કરે છે. માત્ર એક દીકરીને પોલીસ બચાવી ન શકી અને એ પણ પોલીસ સ્ટેશનમાં. તો પોલીસ ગુજરાતની સુરક્ષા શું કરશે.
ઉલ્લેખનીય છે કે, પિતા રઝાકભાઇને ટ્રાફિક અડચણને કારણે પોલીસ દ્વારા માર મારવામાં આવતાં દીકરી પોલીસ સ્ટેશન ગઇ હતી. મહત્વનું છે કે પ્રથમ વારના બનાવમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે દીકરીને પણ વાળ ખેંચીને ઢોરમાર મારી હતી. છતા આ મામલે કોઇ પગલાં લેવાયાં નથી.
પિતાએ જવાબદાર પોલીસ અધિકારી સામે ૩૦૭ મુજબ ફરિયાદ ના નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. યુવતીની આત્મહત્યા માટે જવાબદાર વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૨ પી.એસ.આઈ, કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધવાની પણ પિતાએ માંગ કરી છે. બીજી તરફ પોલીસે પણ સીસીટીવી જાહેર કર્યા નથી. ત્યારે આ સીસીટીવીમાં શું રાઝ છુપાયેલું છે એ પણ હવે જોવાનું રહ્યું.
પોલીસ દમનથી આત્મહત્યા કરનાર આશિયાનાનો મૃતદેવ પરિવાજનોએ જ્યાં સુધી દમન આચરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો છે. આથી આશિયાનાનો મૃતદેહ હોસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવથી વિસાવદરમાં કોઇ અઘટીત ઘટના બને નહીં અને કાયદો વ્યવસ્થઆ જળવાય રહે તે માટે એસ.પી, નિલેશ જાજડિયાની સૂચનાથી જૂનાગઢ, બિલખા, મેંદરડા, વંથલી સહિતનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવી દીધો છે. આશિયાનાનો મૃતદેહ પરિવારે સ્વિકારવાનો ઇન્કાર કરતા પોલીસ મુંઝવણમાં મુકાઇ છે. રજાકભાઇ ત્રણ જેટલા વાહનો ધરાવે છે અને ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.