ગ્લાસ્ગો, તા.ર૩
ઓલિમ્પિક રજતચંદ્રક વિજેતા પીવી સિંધુ, બીઆઈ પ્રણીત અને અજય જયરામે સારું પ્રદર્શન જાળવી રાખતાં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપના સિંગલ્સ વર્ગમાં વિજય પ્રાપ્ત કર્યા. વર્ષ ર૦૧૩ અને ર૦૧૪માં કાંસ્યચંદ્રક જીતનારી સિંધુએ કોરિયાની કિમને બીજા રાઉન્ડમાં ૪૯ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સીધી ગેમમાં ર૧-૧૬, ર૧-૧૪થી હરાવી મહિલા સિંગલ્સની પ્રી કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો. કોરિયાની ખેલાડી વિરૂદ્ધ પાંચ મેચોમાં સિંધુની આ ચોથી જીત છે. સિંગાપુર ઓપન ચેમ્પિયન પ્રણીત અને ૧૩માં ક્રમાંકનો જયરામ પણ પુરૂષ સિંગલ્સમાં બીજા રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહ્યા છે પ્રણીતે પ્રથમ ગેમમાં પ-૯ અને ૧૪-૧૬ જ્યારે બીજી ગેમમાં ૧૦-૧૩ અને ૧પ -૧૭થી પાછળ પડી ગયા બાદ જોરદાર પુનરાગમન કરતાં હોંગકોંગના વેઈ નાનને ૪૮ મિનિટમાં ર૧-૧૮, ર૧-૧૭થી હરાવ્યો. જયરામે એક તરફી મુકાબલામાં ઓસ્ટ્રેલિયાના લુકા વ્રેલરને ર૧-૧૪, ર૧-૧રથી હરાવ્યો.