(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૦
વડોદરા શહેરના નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી આર.પી. કેમીકલ કંપનીમાં રવિવારે સવારે એક પ્રચંડ ધડાકા સાથે કેમિકલ કંપનીની કોમ્પ્રેસર પાઈપ ફાટતા આસપાસના વિસ્તારના લોકો ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રચંડ ધડાકાના પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. દુર્ઘટના બાદ ઝેરી ગેસ છુટતા આસપાસના રહીશો અને કંપનીના કામ કરતા કર્મચારીઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં વારંવાર આ પ્રકારે દુર્ઘટના થતી હોય છે આવી કેમિકલ કંપનીઓનું ઇન્સ્પેકશન કરતા ફેક્ટરી ઇન્સ્પેક્ટરો અને અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે સુરક્ષામાં છીંડા જોવા મળે છે. નંદેસરી ઔદ્યોગિક એશો. દ્વારા પણ આવી નિષ્કાળજી દાખવતી કંપનીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી .જેને કારણે આસપાસના ગ્રામજનોના જીવ જોખમમાં મૂકાય છે. અને આવી નિષ્કાળજીને દુર્ઘટનામાં ખપાવી દેવામાં આવે છે. આરપી કેમિકલ કંપની દ્વારા બનાવતા કેમિકલની જાણકારી ધરાવતું કોઈ બોર્ડ પણ કંપની ગેટ બહાર લગાવવામાં આવ્યું નથી. ઉપરાંત જયારે આ ઘટના બની ત્યારે તેની જાણ કોઈને ન થાય તે રીતે ભીનું સંકેલવા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી ન હતી. જયારે લોકોના જીવ જોખમે મૂકીને કામ કરતી કંપનીને ક્લોઝર નોટીસ આપવી જોઈએ તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે.