(એજન્સી) તા.૨૫
અલવર જતા હાઇવે પર રબારીનું એક જૂથ તેમના ઊંટ, ઘેટાં અને ઢોરઢોખર સાથે આગળ જઇ રહ્યું છે. રબારીના વડા જણાવે છે કે તેમનો પશુ વ્યાપાર કાયદેસર છે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને ક્યારેય કોઇ ગૌરક્ષકોનો ભેટો થઇ ગયો છે ? ત્યારે તેમણે કબૂલ્યું હતું કે દરેક લોકો પૈસા આપે છે. જો તમારે જીવવું હોય તો તમારે પૈસા આપવા પડે. જ્યારે હિંદુ રબારીથી અલગ એવા મુસ્લિમ રકબર ખાને પૈસાને બદલે પોતાની જીંદગી આપી દેવી પડી. રકબરના ભાઇ ઇલિયાસે જણાવ્યું છે કે રબારીઓને માત્ર પૈસા આપવા પડે છે. તેઓ હિંદુ છે. અમને મુસ્લિમોને એવું કહેવામાં આવે છે કે અમે ભારતના નથી. પશુપાલન એ અમારા માટે મોતનો ખેલ બની ગયું છે પરંતુ અમે અન્ય કોઇ વ્યવસાય જાણતા નથી. આમ હત્યારા ગૌરક્ષકો કોને જવા દેવા એ નક્કી કરીને ખંડણી દ્વારા પૈસા બનાવે છે એ વાત હવે ખુલ્લું રહસ્ય છે. જ્યાં દૂધ ઉત્પાદન એ મુખ્ય વ્યવસાય છે એવા કોલગાવમાં હવે લોકો સોગંદ ખાઇને કહે છે કે અમે ફરીથી રાજસ્થાનમાંથી ક્યારેય ગાયો ખરીદીશું નહીં. હરિયાણાના નૂહ જિલ્લામાં આવેલ કોલગાવ એ રાજસ્થાન સાથેની હરિયાણાની સરહદથી માત્ર અડધો કિ.મી. દૂર છે. એફઆઇઆર અનુસાર ૨૮ વર્ષના રકબરને નિર્દય રીતે માર મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. તે અને તેમનો મિત્ર અસલમ બે ગાયો અને બે વાછરડા અલવરના ખાનપુર ગામેથી રૂા.૬૦૦૦૦માં ખરીદીને આવતા હતા. તેમને ગાયોના તસ્કર માની લેવામાં આવ્યા હતા. જેમાં રકબરનું મૃત્યુ થયું હતું અને તેનો સાથી કપાસના ખેતરોમાં ફરાર થઇ જતા બચી ગયો હતો. આ ઘટનાના સંદર્ભમાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે. એક એએસઆઇને સસ્પેન્ડ કરાયા છે અને ચાર કોન્સ્ટેબલોને ઘરે બેસાડી દેવાયા છે.