સુરત, તા.૬
સુરતની મહિલા રચના મોદીની રાજસ્થાનમાં જ્યોતિષ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે જ્યોતિષની ધરપકડ કરી હતી અને કોર્ટમાંથી ૫મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જો કે, ગત રોજ આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરી વધુ પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ રિમાન્ડ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને ઘટનાક્રમમાં રહેલી વિસંગતાઓના મુદ્દે મેળવવામાં આવ્યા છે.
વેસુ અલથાણના શગુન વિલા એપાર્ટમેન્ટમાં બી-૯૦૩માં રહેતી રચના તેના પ્રેમીને પામવા માટે જ્યોતિષની સાથે યુપીના મદારશા બાવાની દરગાહે જવા પોતાની કારમાં નીકળી હતી. દરમિયાન રાજસ્થાન ઝાલાવાડમાં ચાલુ કારમાં જ્યોતિષની સાથે ઝઘડો થયો હતો. તેમાં આવેશમાં આવી જ્યોતિષે રચનાની ચપ્પુથી હત્યા કરી નાખી હતી. જ્યોતિષ કનુ મહારાજની પોલીસે ધરપકડ કરી હતી. મંડાવર પોલીસ સમક્ષ તેણે એવું કહ્યું કે, રચના તેના પ્રેમીને પામવા માટે મારા પર દબાણ કરતી હતી. જેથી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે કનુ મહારાજને કોર્ટમાં રજૂ કરી ૫મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં રાજસ્થાન પોલીસની એક ટીમ સુરત આવી હતી. અને બે દિવસ તપાસ કરી રવાના થઈ હતી. દરમિયાન આરોપી જ્યોતિષના રિમાન્ડ પૂર્ણ થતા ગત રોજ ફરી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.