(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૩૧
રાધનપુર પંથકમાં આવેલ પૂરના એક માસ બાદ પણ પૂર પીડિતોને સહાય આપવામાં તંત્રની ઉદાસીનતાથી કંટાળેલા પૂર પીડિતો આજે મામલતદાર કચેરી સામે ભૂખ હડતાળ પર બેસ્યા હતા.
રાધનપુર તાલુકાના બંધવડ ગામના લોકોએ કરેલ રજૂઆત અનુસાર અતિભારે વરસાદને કારણે ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ગામ તલાટી દ્વારા ગામમાં સર્વે પણ કરવામાં આવ્યો હતો અને નેવું લોકોની યાદી બનાવવામાં આવી હતી પરંતુ આજે એક માસથી વધુ સમય થવા છતાં ગામના અસરગ્રસ્તોને ઘર વખરીનો સામાન આપવામાં આવેલો નથી. જ્યારે બંધવડગામમાં ચૂકવવામાં આવેલ કેશડોલ સહાયમાં પણ અધિકારીઓએ પોતાની મનમાની મુજબ ચૂકવણુ કર્યું હતુ જેમાં વાડી વિસ્તારમાં રહેતા લોકોને કાર્ડની જન સંખ્યા પ્રમાણે કેશડોલ ચૂકવવામાં આવી હતી. જ્યારે ગામમાં રહેતા પરિવારોને રેશનકાર્ડની જન સંખ્યા પ્રમાણે નહીં પરંતુ માત્ર ચાર વ્યક્તિની સંખ્યા પ્રમાણે જ કેશડોલ ચૂકવાઈ હોવાના આક્ષેપો ગામ લોકોએ કર્યા હતા. અગાઉ પણ ગામના લોકોએ આ બાબતે લેખિત રજૂઆતો કરી હતી પરંતુ તંત્ર દ્વારા પૂર પીડિતોને સહાય ચૂકવવામાં ન આવતા આજે બંધવડ ગામના અને રાધનપુર નગરના ઝંડાવાળા વિસ્તારના પૂર પીડિતોએ ગાંધી ચિંધ્યા માર્ગ પર બેઠા હોવાનું તાલુકા પંચાયતના સદસ્ય સુરેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું.