ાાટણ, તા.૧૧
રાધનપુર નગરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની તંગી ઊભી થવા પામી છે. નગરના મોટાભાગના વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા સપ્તાહમાં એક વખત પાણી આપવામાં આવતા આવા વિસ્તારના લોકોને જીવવું મુશ્કેલ બની જવા પામ્યું છે.
નગરના મોટાભાગના વિસ્તારોની મહિલાઓ પાણી માટે દૂર દૂર સુધી માથે બેડા ઉપાડીને ભરવા જતી હોવાના દૃશ્યો સામાન્ય બની જવા પામ્યા છે. આજે નગરના મોટાભાગના વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થવા પામી છે. જ્યારે આ બાબતે પાલિકાના સત્તાધિશો પાસે એક જ જવાબ સાંભળવા મળે છે કે કેનાલ તૂટી જતા ઉપરથી પાણી બંધ થયેલ છે જેના કારણે પાણીની તકલીફ પડી છે. જ્યારે સીત્તેર હજારથી વધુ વસ્તી ધરાવતા નગરના લોકોને આપવા પાલિકા તંત્ર પાસે માત્ર કેનાલનું પાણી જ આધાર હોઈ આજે કેનાલનું પાણી બંધ થતા તકલીફ ઊભી થવા પામી છે અને પાલિકા પાસે લોકોને પાણી મળી રહે તેની વૈકલ્પિક વ્યવસ્થા ના હોવાને કારણે આજે પાણીની વિકટ સમસ્યાનો નગરજનોને સામનો કરવો પડી રહ્યો છે. પાણીના બેડા માથે લઈને જતી મહિલાઓ એને પૂછતા મહિલાઓએ પાલિકાના સત્તાધીશોના નામનો હુરીયો બોલાવ્યો હતો અને પાલિકામાં પાણી બાબતે પૂછવા જઈએ છીએ ત્યારે કોઈ જ સાહેબો કે પ્રમુખ હાજર હોતા નથી. અમારી વાત આજે કોઈ જ સાંભળતુ નથી. આગામી ચૂંટણીમાં વોટ લેવા આવે ત્યારે અમો બતાવીશુ તેવું માથે બેડા લઈને જતી મહિલાઓએ જણાવ્યું હતું.
પાલિકા તંત્ર દ્વારા આ બાબતે નક્કર આયોજન હાથ ધરવામાં નહીં આવે તો અમો પાલિકા તંત્ર સામે ધરણા યોજીશુ તેવું પાલિકાના વિરોધપક્ષના નેતા રમેશભાઈ ગોકલાણીએ જણાવ્યું હતું.