મુંબઈ,તા.૧૬
‘બિગ બૉસ’માં શ્રીસંતની અનુપ જલોટા સાથે ‘બિગ બૉસ’નાં મુખ્ય ઘરમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ એન્ટ્રી પહેલા શ્રીસંત અનૂપ જલોટા પાસે રડતો જોવા મળ્યો હતો. ક્રિકેટ ના રમી શકવાનું દુઃખ શ્રીસંતની આંખોમાં સ્પષ્ટ જોઈ શકાતુ હતુ. એટલા સુધી કે શ્રીસંતે વર્લ્ડ કપ દરમિયાનની એ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે કોઈએ તેનું નામ નહોતુ લીધું. અનૂપ જલોટા સાથે વાત કરતા શ્રીસંતે વર્લ્ડ કપની એ ઘટનાનો ઉલ્લેખ કર્યો જે તેના દિલમાં આજે પણ ખટકે છે. શ્રીસંતે કહ્યું કે, “વર્લ્ડ કપ બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન કોઇએ પણ મારું નામ લીધું નહોતુ. એ દરમિયાન ફક્ત સચિન તેંડુલકરે મારું નામ લીધુ હતુ અને કહ્યું હતુ કે શ્રીએ પણ એ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું.”
ત્યારબાદ શ્રીસંતે કહ્યું, “જો લોકોને લાગે છે કે હું ખોટો હતો અને મે કંઇ ખોટુ કર્યું હતુ તો હું દિલથી માફી માંગુ છું. જો ભગવાને ઇચ્છ્યું તો ફરીથી રમીશ, પરંતુ મારા પગ.” શ્રીસંત આટલુ બોલતા જ પોતાનાં આંસૂ રોકી શક્યો નહીં અને ટી-શર્ટમાં પોતાનું મોઢું છુપાવીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો હતો. શ્રીસંતે કહ્યું કે કદાચ રમત દરમિયાન તેણે ઘણા દુશ્મન બનાવી દીધા છે, કેમકે તેને લાગતુ હતુ કે આ એગ્રેશન સારું છે.