(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રણદીપ સૂરજેવાલાએ અમદાવાદમાં આજે ફરી એકવાર મોદી સરકાર પર રાફેલ ડીલના મામલે જોરદાર આકરા પ્રહારો કર્યા હતા અને રાફેલ હવાઇજહાજ ડીલમાં હજારો કરોડના ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, રાફેલ ડીલના કોન્ટ્રાકટ બદલવાનું કૃત્ય ઘણું ગંભીર અને રાષ્ટ્રની સુરક્ષાના મુદ્દે મજાક સમાન છે. રાષ્ટ્રની સુરક્ષાના મુદ્દે કોઇપણ સંજોગોમાં રમત ના હોઇ શકે. સૂરજેવાલાએ રાફેલ ડીલની અગાઉનો કોન્ટ્રાકટ રદ કરી શા માટે ખાનગી કંપનીને પાછળથી કોન્ટ્રાકટ આપી ઉંચા ભાવે જહાજ ખરીદવાનો નરેન્દ્ર મોદીએ કારસો રચ્યો અને તેમના ઉદ્યોગપતિ મિત્રને ફાયદો કરાવવાની ગોઠવણ કરી તે મુદ્દે જવાબ આપે. પરંતુ ૨૦૧૪માં મે મહિનામાં કેન્દ્રમાં સરકાર બદલાઇ અને મોદી સત્તામાં આવ્યા. એપ્રિલ-૨૦૧૫માં મોદી ફ્રાંસ જાય છે અને અચાનક જ ત્યાં ભારત સરકારના કેબીનેટ કે સુરક્ષાની મંજૂરી વિના બારોબાર જ અગાઉની ડીલ કેન્સલ કરી ૩૬ લડાકુ જહાજ ખરીદવાની જાહેરાત કરી. તા.૨૩-૯-૨૦૧૬ના રોજ જૂના કરાર રદ કરી ૩૬ રાફેલ જહાજ ખરીદવાનો નવો કોન્ટ્રાકટ મોદીના મિત્ર ઉદ્યોગપતિને અપાયો અને તે પણ ૮.૭ બીલીયન ડોલર એટલે કે, રૂ.૫૯ હજાર કરોડની કિમંતે ખરીદવાનો. સૂરજેવાલાએ એ વાત પરત્વે ધ્યાન દોર્યું કે, કોંગ્રેસના શાસન વખતના કરાર મુજબ, ૧૨૬ રાફેલ હવાઇ જહાજ રૂ.૫૪ હજાર કરોડના ખર્ચે ખરીદવાનું નક્કી થયું હતુ, જયારે મોદીના કરાર મુજબ, માત્ર ૩૬ રાફેલ જહાજ રૂ.૫૯ હજાર કરોડના ખર્ચે ખરીદવાનું નક્કી થયું. આટલી ઉંચી કિંમતે અને મોંઘા ભાવથી શા માટે જહાજની ખરીદી? ભારતીય વાયુસેનામાં હવાઇ જહાજની ખરીદીનો મામલો એ રાષ્ટ્રની સુરક્ષાનો સવાલ છે અને તેમાં આ પ્રકારની રમત ના હોઇ શકે.