(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૦
ભારતીય વાયુસેનાના લડાયક વિમાન રાફેલની ડિલિવરી હવે બે સપ્તાહ મોડી મળશે. પહેલા ભારતને રાફેલ વિમાનો મળવાની શરૂઆત ૨૦ સપ્ટેમ્બરથી થવાની હતી તેના બદલે હવે આ વિમાન બનાવનાર ફ્રાન્સની કંપની રાફેલે બે સપ્તાહ મોડી એટલે કે ૮ ઓક્ટોબરે ભારતને વિમાનની ડિલિવરી આપવાની જાહેરાત કરી છે. પહેલું વિમાન સ્વીકારવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ફ્રાન્સ જશે.યોગાનુયોગ ૮ ઓક્ટોબરે વાયુસેના દિવસ અને દશેરો પણ છે.ભારતમાં એમ પણ દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરવાનો રિવાજ છે. રાજનાથસિંહ ફ્રાન્સના બોર્ડેક્સ નામના શહેરના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં રાફેલને રિસિવ કરશે.વાયસેનાના પાયલોટ પણ તેમની સાથે હશે. વાયુસેનાએ રાફેલ વિમાનોને ૧૭મી સ્કવોડ્રનમાં સામેલ કરવાનું નક્કી કર્યુ છે.ફ્રાંસ દ્વારા ૩૬ વિમાનોની ભારતને તબક્કાવાર ડિલિવરી કરાશે.