(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
રાફેલ ફાઈટર પ્લેન ડીલને લઈને મોદી સરકાર અને કોંગ્રેસ ફરી એકવાર અમાને સામને આવી ગઈ છે. કોંગ્રેસે હવે આ મામલે વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવવાના સ્પષ્ટ સંકેત આપી દીધા છે. ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી એ કે એન્ટની સાથે કોંગ્રેસના નેતા આનંદ શર્માએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને ઘટનાની જાણકારી આપી હતી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવવાની વાત કહી ચુકી છે. ભાજપની આ નોટિસ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનની ઓફિસમાં પહોંચાડી પણ દેવાઈ છે. જોકે હજી આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાનો હજી બાકી છે. આનંદ શર્મા અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી એ કે એન્ટનીએ જણાવ્યું હતું કે, ૧૯ માર્ચ, ૨૦૧૮ના રોજ રક્ષા રાજ્ય મંત્રીએ કહ્યું નહોતું કે આ કોઈ સીક્રેસી ડીલ છે, જેને અંતર્ગત તે કિંમત ના જણાવી શકે. વડાપ્રધાન અને સંરક્ષણમંત્રીએ દેશને ગેરમાર્ગે દોર્યો છે. માટે આ મામલે જરૂર પડશે તો સંસદમાં જરૂરી કાર્યવાહી કરાશે.
ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી એ કે એન્ટનીએ કહ્યું હતું કે, અનેક કંપનીઓ સાથે વાતચીત કર્યા બાદ ડિસેમ્બર, ૨૦૧૨માં રાફેલને પસંદ કરવામાં આવ્યું હતું જેમાં કિંમત નક્કી કરવામાં આવી હતી અને ૧૨૬ એરક્રાફ્ટ લેવાની વાતચીત લેવાની વાત પર સહમતી સધાઈ હતી. મોદી સરકારે જે કંપનીને આ ડીલ કરી છે તેની પાસે ના તો આ સાદા એરક્રાફ્ટ બનાવવાનો અનુભવ છે અને ન તો ફાઈટર પ્લેન. જેના કારણે HAL ના પણ અનેક એન્જીનિયર્સે નોંકરીમાંથી હાથ ધોવા પડ્યાં. તેમણે આરોપ લગાવ્યો આ નવી ડીલ કોઈ પણ પ્રકારની ટેક્નોલોજી ટ્રાંસફરની વાત નથી થઈ. માટે અચાનક ભાવ વધારવાની વાત પણ સમજણની બહાર છે. એન્ટનીએ કહ્યું હતું કે, યૂપીએ સરકારે કરેલી ડીલ અનુંસાર ૧૨૬માંથી ૧૮ એરક્રફ્ટ જ ફ્રાંસમાં બનવાના હતાં જ્યારે બાકીના તમામ HAL  દ્વારા ભારતમાં બનવાના હતાં. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ આરોપ લગાવ્યો હતો કે, સરકારે સંસદમાં આ મામલે સ્પષ્ટિકરન આપવું જોઈએ. વડાપ્રધાને કેબિનેટની સુરક્ષા સમિતિની સલાહ લીધા વગર જ રાફેલ ડીલ બદલી નાખી. વડાપ્રધાને ફ્રાંસથી પરત ફર્યા બાદ આ ડીલ વિષે જાણકારી આપવી જોઈતી હતી. શર્માએ આરોપ લગાવતા કહ્યું હતું કે, ફ્રાંસે આજ પ્રકારના એરક્રાફ્ટ ઇજીપ્ત અને કતારને સમાંતર ભાવે જ વેચ્યા છે. તો પછી ભારતને કેમ વધારે કિંમતમાં. નવેમ્બર ૨૦૧૬માં સંરક્ષણ મંત્રીએ એરક્રાફ્ટના ભાવ જણાવી દીધા હતાં તો પછી હવે કેમ આ બાબતે કંઈ જ નથી જણાવવામાં આવતું. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને રાફેલ ડીલ મુદ્દે ભીંસમાં લીધી હતી.